અમદાવાદ : ગુજરાત ઉપર હાલમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ વરસાદી માહોલ જામ્યો છે. આજરોજ 24 ઓગસ્ટને શનિવારની સવારથી જ શહેરમાં અંધારપટ છવાયો છે. રાત બાદ જાણે સવાર જ ન થઈ હોય તેવું ગાઢ અંધારુ જોવા મળી રહ્યું છે. સવારે સાત વાગ્યાથી શહેરના દરેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. આ સાથે વાહનચાલકોને દિવસે પણ લાઈટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. રોડ પર માત્ર વાહનોની લાઈટ જ દેખાય રહી છે. આ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ વરસાદ શરૂ થયો છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. વરસાદે પેટર્ન બદલી હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં પણ ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસું, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉંધના, ડિંડોલી વિસ્તારમાં સર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે. જોકે, લાંબા સમય સુધી વરસાદની ગેર હાજરી હોવાના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું. જેથી લોકોએ ભારે બફારો અનુભવ્યો હતો. જોકે, વરસાદ પાડતા જ વાતાવરણમાં ઠંડક પસરતા જ લોકોને ગરમીથી રાહત પણ થઇ છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેજ પ્રમાણે સુરતમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે.
આગામી દિવસોનું વરસાદનું પૂર્વાનુમાન #rain #RainAlert pic.twitter.com/v3gQepKyYL
— Ahmedabad Collector (@CollectorAhd) August 23, 2024