ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી, કેબિનેટના મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ કે ઉચ્ચ અધિકારીઓને પ્રસંગોપાત મળેલી ભેટ-સોગાદો માટેના નિયમોમાં 10 વર્ષ પછી પરિવર્તન કરવામાં આવ્યું છે, જે અનુસાર આ મહાનુભાવો પાંચ હજારથી વધુની ભેટ-સોગાદ રાખી શકશે નહીં, જો તેને પ્રાપ્ત કરવી હોય તો તેનાથી વધારે થતી કિંમત સરકારને ચૂકવવાની રહેશે. વિદેશથી વસ્તુઓ મળી હોય તો 10 હજારની મર્યાદામાં રાખી શકશે, તેનાથી કિંમત વધી જાય તો સરકારને રકમ ચૂકવવી પડશે. એવી જ રીતે વિદેશ પ્રવાસ વખતે મળેલી 10 હજાર રૂપિયાના મૂલ્ય સુધીની ભેટ-સોગાદ જે તે મહાનુભાવ પોતાની પાસે રાખી શકશે પરંતુ તેની જો કિંમત વધી જાય તો તફાવતના નાણાં ચૂકવવા પડશે, અન્યથા રાજ્યના તોશાખાનામાં તે ભેટ-સોગાદ જમા કરાવવી પડશે. રાજ્યના નાણાં વિભાગે લાંબા સમય પછી તોશાખાનાના નિયમોમાં પરિવર્તન કર્યું છે.નાણા વિભાગના નાયબ સચિવ ભાવિતા રાઠોડે બહાર પાડેલા આદેશમાં જણાવાયું છે કે 10 વર્ષ પહેલાં એવો નિયમ હતો કે એક હજારના મૂલ્યની ભેટ મંત્રીઓ કે અધિકારીઓ ઘરે લઇ જઇ શકતા હતા પરંતુ તેમાં પરિવર્તન કરીને તેની મર્યાદા હવે 5000 રૂપિયાની કરવામાં આવી છે. એવી જ રીતે વિદેશી ચીજવસ્તુઓની મર્યાદા પાંચ હજારથી વધારીને 10 હજાર કરવામાં આવી છે. ભેટ ગ્રહણ કરનાર આટલી મર્યાદામાં હોય તો તેની પાસે રાખી શકે છે અન્યથા તોશાખાનામાં જમા કરાવી તેની હરાજી કરવામાં આવે છે.