વડોદરા : વડોદરા શહેરમાં દશામાની પ્રતિમાના વિસર્જન સમયે યોગ્ય રીતે વ્યવસ્થા નહી હોવાથી લોકોને મુશ્કેલી પડી હતી. તેવી મુશ્કેલી ગણેશ વિસર્જનમાં થાય નહીં તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસ કિંમશનરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી એકશન પ્લાન તૈયાર કર્યો છે. સાથે સાથે સૂચના આપવામાં આવી છે કે, શહેર બહારના ગણપતિ વડોદરા તળાવો સુધી આવે નહિ તેનું અને જેતે ગામમાં વિસર્જન થાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થાય તે માટે પોલીસ કિમશનર નરસિમ્હા કોમરના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગો અને આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પોલીસ બંદોબસ્ત, દરેક તળાવ પર ક્રેનની વ્યવસ્થા, તરાપા, તરવૈયા વિગેરેની વ્યવસ્થા કરવા વિવિધ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશન કમિશનર દિલીપ રાણા દ્વારા કૃત્રિમ તળાવની માહિતી આપવામાં આવી હતી. હાલના પાંચ કૃત્રિમ તળાવ ઉપરાંત વધારાના ચાર કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. તદઉપરાંત દરેક તળાવ પર ફલડ લાઇટ, તરાપા અને તરવૈયાની જરૂરી વ્યવસ્થા રાખવામાં આવી છે. બેઠકમાં પોલીસ કિંમશનરે પ્રાંત અધિકારીને સૂચના આપી હતી કે, વડોદરા શહેર બહારના ગણપતિ વડોદરામાં વિસર્જન માટે આવે નહિ અને જેતે ગામોમાં જ ગણેશ વિસર્જન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને કૃત્રિમ તળાવોમાં પૂરતુ પાણી ભરાયેલું રાખવા અંગે પણ ચર્ચા વિચારણા થઇ હતી. ગણેશ વિસર્જનના દિવસે ટ્રાફિક વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરવા પણ જણાવ્યું હતું.