હરભજન સિંહે શુક્રવારે પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરને એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તુલના કરવા પર ફટકાર લગાવી. હરભજને કહ્યું કે જો રિઝવાનને પણ કોઈ પૂછશે તો તે ધોનીનું જ નામ લેશે. પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરે શુક્રવારે સોશિયલ મીડિયા પર એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તસવીર શેર કરીને પૂછ્યું કે આ બંનેમાંથી કોણ સારું છે. જેની પર હરભજન સિંહ પોતાને રોકી શક્યા નહીં અને તેને શ્રેષ્ઠ ખેલાડી વિશે સારી રીતે જણાવ્યું.
પાકિસ્તાનના ઈન્ફ્લુએન્સરે એક્સ પર પૂછ્યું, એમએસ ધોની કે મોહમ્મદ રિઝવાન? કોણ શ્રેષ્ઠ છે? મને ઈમાનદારીથી જણાવો. તેનો જવાબ આપતાં હરભજન સિંહે કહ્યું, આજકાલ શું ફૂંકી રહ્યાં છો? કેવો મૂર્ખતાભર્યો સવાલ છે? ભાઈ આને જણાવો. ધોની ખૂબ આગળ છે રિઝવાનથી, જો તમે રિઝવાનને પૂછશો તો તે પણ તમને આનો સાચો જવાબ આપશે. મને રિઝવાન પસંદ છે, તે સારો ખેલાડી છે જે સારું રમે છે પરંતુ તુલના કરવી ખોટી બાબત છે. ધોની આજે પણ વર્લ્ડ ક્રિકેટમાં નંબર વન છે. વિકેટની પાછળ તેના કરતાં સારું કોઈ નથી. એમએસ ધોનીને ઘણા લોકો ક્રિકેટ ઈતિહાસનો સૌથી મહાન કેપ્ટન માને છે. ધોનીએ કેપ્ટન તરીકે ભારતને 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી. વિકેટકીપર તરીકે પણ તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે પરંતુ તે આજે પણ યુવાનો માટે આદર્શ છે. ધોની આઈપીએલમાં રમતો નજર આવે છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે. તેણે આ સિઝન કેપ્ટનશિપ પણ છોડી દીધી અને હવે વિકેટકીપર બેટ્સમેન તરીકે રમે છે. જોકે ધોની આગામી સિઝનમાં આઈપીએલને પણ અલવિદા કહી શકે છે.