સુરત શહેરમાં છેલ્લા ઘણા વખતથી ડ્રેનેજ ઉભરાવવાની અને ચોક અપ થવાની ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે. સંકલન બેઠકમાં પણ ધારાસભ્ય દ્વારા રાંદેર ઝોનની ડ્રેનેજ સમસ્યા નિવારણ માટે ફરિયાદ કરી હતી. ડ્રેનેજ અંગેની વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિ. કમિશનર એક્શનમાં આવ્યા છે. આજે અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મ્યુનિ.કમિશનરે તમામ ઝોનના અધિકારીઓને શહેરમાં ઉભરાતી ડ્રેનેજની સમસ્યા દુર કરવા 10 દિવસમાં એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો છે.સુરત શહેરના અનેક વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા થઈ રહી છે અને કેટલાક વિસ્તારમાં તો ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ ન થતાં કોંગ્રેસ અને લોકોએ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો હતો. સુરત પાલિકાના તમામ ઝોનમાં ડ્રેનેજ સમસ્યા વધી રહી છે. રાંદેર ઝોન પાસે ડ્રેનેજ સફાઈના સાધનો છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી ડ્રેનેજ સમસ્યા વધી રહી છે તેવી ફરિયાદ થઈ રહી છે.
ડ્રેનેજ માટે વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે ડ્રેનેજ વિભાગ અને તમામ ઝોનના ડ્રેનેજ વિભાગની મશીનરીનો મહત્તમ ઉપયોગ થાય એ પ્રકારે 10 દિવસમાં એક્શન પ્લાન બનાવવા આદેશ કર્યો.છે. આ ઉપરાંત આગામી 10 દિવસમાં ડ્રેનેજની મશીનરીનો મહત્તમ ઉપયોગ કરવાની સાથે અસરકારક કામગીરી કરવા સૂચના આપી છે. ડ્રેનેજ અંગેની સમસ્યાના નિવારણ માટે આવતીકાલથી ઝોન કક્ષાએ ડ્રેનેજ કામગીરી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના થકી કયા વિસ્તારમાં પાણી ભરાવાની અથવા તો ડ્રેનેજની સમસ્યા છે તે બાબતે કંટ્રોલ રૂમ મારફતે માહિતી મળી શકશે.