હરણી લેકઝોન દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના નિર્દોષ 12 માસુમ બાળકો સહિત 14 વ્યક્તિના પાણીમાં ડૂબી જવાના છ માસ અગાઉના દુઃખદ બનાવમાં મૃતકોના પરિવારજનોને સાથે રાખીને શહેર કોંગ્રેસ દ્વારા સવારે 10 વાગ્યે યોજવામાં આવેલા શાંત ધરણા કાર્યક્રમ અંગે કોઈ કારણ જણાવ્યા વિના પોલીસે મંજૂરી આપી ન હતી. ધરણા સ્થળેથી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 12 કોંગી અગ્રણીઓની અટકાયત કરીને પ્રતાપ નગર હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જ્યાં અટકાયત કરાયેલા તમામ કોંગી અગ્રણીઓએ ધરણા કાર્યક્રમ શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોને શિક્ષકો પિકનિક અંગે બોટિંગ માટે લઈ ગયા હતા. પરંતુ બોટમાં નિયમ કરતા વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. બોટમાં અપૂરતા લાઈફ જેકેટ હોવાથી કેટલાક બાળકો લાઈફ જેકેટ વિના બોટમાં બેસાડવામાં આવ્યા હતા. તળાવમાં બોટ અધવચ્ચે જતા જ ડૂબવા લાગી હતી જેમાં બે શિક્ષિકા સહિત 12 બાળકોના પાણીમાં ડૂબી જતા 14 લોકોના કરુણ મોત નીપજવા સંદર્ભે હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટનાને છ માસ વિતવા છતાં મૃતકોના પરિવારજનોને ન્યાય નહીં મળવા સહિત કોઈ વળતર પણ મળ્યું નથી. જ્યારે તપાસ હજી માત્ર કાગળ પર જ છે અને કોઈ પગલા લેવાયા નથી. જ્યારે બીજી બાજુ હાઈકોર્ટે કડક વલણ દાખવતા પાલિકા તંત્ર આ બોટકાંડ અંગે એક્શનમાં આવ્યું છે. આમ છતાં પણ તત્કાલીન મ્યુનિ.કમિશનર એચ.એસ.પટેલ, તથા વિનોદ રાવને અદાલતે દોષિત ઠરાવવા છતાં પણ તેમની સામે કોઈ પગલા લેવાયા નહીં હોવા ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી સામે પણ કોઈ કાર્યવાહી નહીં થયાના આક્ષેપો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ કર્યા છે. આ ઉપરાંત ન્યુ સનરાઈઝ સ્કુલ સંચાલકો આ દુર્ઘટના અંગે સંપૂર્ણ જવાબદાર હોવા છતાં પણ તેમની સામે પણ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ભ્રષ્ટાચાર બાબતે પણ બાળકો ગુમાવનાર પરિવારજનોએ એસીબીમાં અને શહેર પોલીસ કમિશનરને અરજી આપી હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી નહીં થયાનું પણ ઋત્વિક જોશીએ જણાવ્યું છે. જ્યારે બીજી બાજુ આ કરુણ દુર્ઘટનાને આજે છ માસ થવા છતાં પણ હજી બાળકો ગુમાવનાર સ્વજનોને ન્યાય કેવળતર મળ્યુ નથી ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ પાસે ગાંધીજીની પ્રતિમા નજીક શાંત ધરણાનો કાર્યક્રમનું સવારે 10થી સાંજ સુધી આયોજન કરાયું હતું.
આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ મંજૂરી માટે લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા ધરણા કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે પોલીસે આ બાબતે કોઈ કારણ પણ નહીં જણાવ્યાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો. ગાંધીનગર ગૃહ ખાતે નિયત સમયે મૃતક બાળકોના પરિવારજનો અને કોંગ્રેસના અગ્રણીઓ આજના ધરણા કાર્યક્રમ અંગે એકત્ર થયા હતા. પરંતુ ધરણા કાર્યક્રમ શરૂ થતા અગાઉ જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, શહેર કોંગ્રેસ મહામંત્રી સાંઈ ઢેકાણે, કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન જગદેવ પરમાર વોર્ડ નં.4ના કોંગ્રેસ પ્રમુખ ડાહ્યાભાઈ પરમાર સહિત કોંગી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, એસએસસી સેલના ચેરમેન મહેશ સોલંકી, નીતિન, વિશાલ પટેલ અને જયંતીલાલ કનોજીયા તથા હરૂબેન પંડ્યાની ધરણા કાર્યક્રમ શરૂ થતાં અગાઉ જ અટકાયત કરવામાં આવી ત્યારે તમામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. આ સમયે મૃતક બાળકોના ઉપસ્થિત પરિવારજનો હતપ્રભ થઈ ગભરાઈ ગયા હતા. અટકાયત કરાયેલા તમામ કોંગી અગ્રણીઓને પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પહોંચતા જ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ કોંગીજનોએ ધરણા કાર્યક્રમનો આરંભ ખાતે શરૂ કરી દીધો હતો.