યુજી અને પીજીના પ્રવેશ પ્રક્રિયા માટે GCAS પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક મૂંઝવણ અને છબરડાને લઈને વિવાદ થયો હતો. જ્યારબાદ Ph.D પ્રવેશ પ્રક્રિયા પણ જીકાસ પરથી કરવાને લઈને ફરી વિરોધ શરૂ થયો છે. કારણ કે, યુનિવર્સિટીઓની ઈચ્છા પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા કરવાની છે, પરંતુ સરકારે પણ પોતાની જાહેરાતને વળગી રહી જીકાસથી જ પ્રવેશ પ્રક્રિયાની જીદ પકડી રાખી છે. જીકાસથી પ્રવેશ પ્રક્રિયામાં સૌથી મોટો પ્રશ્ન રજિસ્ટ્રેશન ફી અને પ્રવેશ ફી નો છે. કારણ કે, જીકાસ પર રજિસ્ટ્રેશન માટે 300 રૂપિયા ભર્યા બાદ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની પરીક્ષા ફી પણ અલગથી ભરવી પડે તેમ છે. જેના માટે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. નોંધનીય છે કે, સરકારી યુનિ. ઓમાં હાલ Ph.D પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન શરૂ નથી થયું.
સરકારે આ વર્ષે રાજ્યની 15 સરકારી યુનિ. ઓમાં યુજી અને પીજીથી માંડીને પીએચડી સુધીના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ (GCAS) શરૂ કર્યું છે. આ પોર્ટલમાં કોમન રજિસ્ટ્રેશન દ્વારા યુજી અને પીજીના પ્રવેશ થઈ ગયાં છે, પરંતુ પાછળથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઘણાં છબરડા થયા હતાં. જોકે, હવે Ph.D પ્રવેશને લઈને પણ ઘણી મૂંઝવણો અને પ્રશ્નો ઊભા થયાં છે. મોટાભાગની સરકારી યુનિવર્સિટીઓ જીકાસ પોર્ટલ પરથી Ph.D માટે પ્રવેશ કરાવવા નથી માંગતી. યુનિ. ઓની પોતાના દ્વારા જ પ્રવેશ કરાવવાની ઈચ્છા છે. કારણ કે, દરેક ફેકલ્ટી-બ્રાન્ચ મુજબ દરેક વિષયની જુદી-જુદી જગ્યાઓ હોય છે. જેના માટે પોર્ટલમાં વિષય પસંદ કરવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ ઉપરાંત દરેક યુનિ. ની પોતાની અલગ-અલગ પ્રક્રિયા અને પદ્ધતિ છે. દરેક યુનિ. પીએચડી પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લે છે. જેના માટે દરેક યુનિ. પોતાના રીતે જ ફી નક્કી કરે છે. પરંતુ, આ વખતે યુજીસી દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમને કારણે અનેક પ્રશ્ન ઊભા થયા છે. યુજીસીએ NET ના સ્કોરને જ Ph.D પ્રવેશ માટે ધ્યાનમાં લેવાનું અને જરૂર ન હોય તો એન્ટ્રન્સ ટેસ્ટ ન લેવા ભલામણ કરી છે. જેના કારણે દરેક યુનિ. માં નેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે અલગથી બેઠકો પણ રાખવી પડે તેમ છે. આ સાથે જીકાસ પોર્ટલ પરથી પ્રવેશ પ્રક્રિયા કરવાથી ફીનો પણ પ્રશ્ન ઊભો થાય છે. જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા છે અને બાદમાં વિદ્યાર્થીઓએ જે તે યુનિ. માં અલગથી પણ પ્રવેશ ફી ભરવી પડે તમે છે. હાલ સરકારે એડમિશન પ્રક્રિયાને લઈને તમામ યુનિ. ઓ પાસેથી વિષય મુજબ કેટલી બેઠકો છે તેની વિગતો મંગાવી છે. મોટા ભાગની યુનિ. ઓએ વિગત અને જીકાસ પોર્ટલ પર પોતાના પ્રશ્નો તેમજ રજૂઆતો સરકારને મોકલી દીધી છે.