નવી દિલ્હી : કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સુઓમોટો નોંધ લેતા સમગ્ર દેશમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષાની ખાતરી માટે પ્રોટોકોલ બનાવવા ૧૦ સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સાથે જ સીબીઆઈને આ કેસની તપાસ સંબંધિત સ્ટેટસ રિપોર્ટ ગુરુવાર સુધીમાં રજૂ કરવા કહ્યું છે. વધુમાં સુપ્રીમે આ આઘાતજનક કેસમાં એફઆઈઆર નોંધવામાં વિલંબ, માતા-પિતાને પીડિતાને જોવા દેવામાં વિલંબ તેમજ હોસ્પિટલમાં હજારો લોકો દ્વારા તોડફોડ મુદ્દે મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે રાજ્ય સરકારને શાંતિપૂર્ણ દેખાવો કરનારા અને સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા પર શક્તિનો દુરુપયોગ નહીં કરવા પણ કહ્યું છે. આ સાથે વધુ સુનાવણી ૨૩ ઑગસ્ટ પર મુલતવી રાખી છે.કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કરા અને હત્યાની ઘટનાને ‘ભયાનક’ ગણાવતા મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું આ મુદ્દો માત્ર કોલકાતા કેસનો જ નથી પરંતુ સમગ્ર દેશમાં ડૉક્ટરોની સુરક્ષા સાથે સંકળાયેલો છે. દેશ બળાત્કારની કોઈ નવી ઘટનાની રાહ જોઈ શકે નહીં. બેન્ચે વાઈસ એડમિરલ આરતિ સરિનના અધ્યક્ષપદે ૧૦ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જેને સમગ્ર દેશમાં ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફની સુરક્ષા મુદ્દે પ્રોટોકોલ બનાવવા ત્રણ સપ્તાહની અંદર વચગાળાનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાને સમાવતી બેન્ચે સીબીઆઈને આ ઘટનાની તપાસમાં તેનો યથાસ્થિતિ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. ઉપરાંત રાજ્ય સરકારને પણ હોસ્પિટલમાં તોફાન કરનારા લોકો સામે લેવાયેલા પગલાનો રિપોર્ટ રજૂ કરવા કહેવાયું છે. વધુમાં સોશિયલ મીડિયા પર પીડિતાની ઓળખ જાહેર થવા, ઘટના સમયના ફોટોગ્રાફ્સ અને વીડિયો ક્લિપ્સ વાયરલ થવા સામે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બધા જ સોશિયલ મીડિયાને આ તસવીરો અને વીડિયો ક્લિપ્સ તેમના પ્લેટફોર્મ્સથી ઉતારી લેવા નિર્દેશ આપ્યા છે.
ડૉક્ટરોની સુરક્ષા માટે હોસ્પિટલમાં સીઆઈએસએફની નિયુક્તિ કરી :
દેખાવકારોના ટોળા દ્વારા હોસ્પિટલમાં થયેલી તોડફોડ અને કોલકાતા પોલીસ ઘટના સ્થળેથી ભાગી ગઈ હોવાની ગંભીર નોંધ લેતા બેન્ચે હોસ્પિટલમાં ડૉક્ટરોની સુરક્ષા માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ) નિયુક્ત કરવા આદેશ આપ્યો હતો અને ડૉક્ટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરી હતી. બેન્ચે કહ્યું કે, મહિલા જુનિયર ડૉક્ટરની જધન્ય હત્યા પછી રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાનો ભંગ ના થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી અપેક્ષા રખાતી હોય છે. પરંતુ રાજ્ય સરકાર તેમ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.
મહિલાઓને સુરક્ષિત વાતાવરણ-સમાનતાના અધિકાર આપવા જરૂરી :
બેન્ચે ઉમેર્યું કે, આ મામલો માત્ર કોલકાતા સુધી મર્યાદિત નથી. આ કેસ સિસ્ટેમેટિક મુદ્દો છે અને સમગ્ર દેશના ડૉક્ટરો અને મેડિકલ પ્રોફેશનલ્સની સુરક્ષા સાથે સંકળાયેલો છે. અમે સમગ્ર દેશના ડૉક્ટરો વિશેષરૂપે મહિલા ડોક્ટરોની સુરક્ષા અંગે ચિંતિત છીએ. મહિલાઓને કામ કરવા માટે સુરક્ષિત વાતાવરણ આપી શકીએ નહીં અને તેઓ પોતાને સુરક્ષિત ના અનુભવે તો તે તેમના સમાનતાના અધિકાર અને સમાન તકો પૂરી પાડવાના અધિકારોનો ભંગ હશે. તેમણે ઉમેર્યું કે રેસિડેન્ટ ડૉક્ટરો અને સિનિયર રેસિડેન્ટ્સે ૩૬ કલાક સુધી ડયુટી કરે છે અને તેમની પાસે બેઝિક હાઈજીન કન્ડિશન અને સેનિટેશનની સુવિધા પણ નથી. હોસ્પિટલમાં પર્યાપ્ત સંખ્યામાં ટોયલેટની સુવિધા નથી. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી. હોસ્પિટલોમાં સીસીટીવી કામ નથી કરતા.