ઠાસરા : ઠાસરાના પીપલવાડા ગામમાં સર્વ શિક્ષા અભિયાન અતર્ગત અંદાજે એક કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં પહેલા વરસાદમાં જ તિરાડો પડી ગઈ છે. વિદ્યાર્થીઓ હજુ ભણવા પણ નથી આવ્યા ત્યાં તિરાડો પડતા ગ્રામજનો ગુણવત્તા ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે અને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાય તેવી માંગણી કરી રહ્યા છે.ઠાસરા તાલુકાના આશરે ૮,૦૦૦થી વધુ વસ્તીવાળા મોટા ગામ પીપલવાડાની પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૮માં ૫૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે હાલ પીપલવાડા ગામમાં પંચવટી વિસ્તારમાં જૂની પ્રા.શાળામાં ભણે છે. ત્યારે ગામની ભાગોળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજે એક કરોડના ખર્ચે નવી શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. શાળાનું બિલ્ડિંગ હજૂ બની રહ્યું છે ત્યારે પહેલા વરસાદમાં જ મકાનમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ગયા અઠવાડિયે ગામના ખેતરોના પાણી નવા બિલ્ડિંગની ચારે બાજુ એક ફૂટ સુધી ભરાઈ ગયા હતા. ત્યારે ભવિષ્યમાં આ શાળાનું બિલ્ડિંગ કેટલું ટકશે અને અહીં ભણવા આવનાર બાળકોનું ભાવિ જોખમાશે તો જવાબદાર કોણ તેવા સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. ત્યારે જે તે અધિકારી સ્થળ તપાસ કરી નવા મકાનના બાંધકામની ગુણવત્તા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેમજ સીમના પાણી ફરી ન વળે માટે બિલ્ડિંગના સામે મેદાનમાં માટી પૂરાણ કરાય તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.