ઊંઝા માર્કેટ યાર્ડમાં રવિપાકોની આવકો ચોમાસામાં દિન પ્રતિદિન ઘટી રહી છે. જેની સામે જીરામાં દેશાવર અને ફોરેનની ઘરાકી જોવા મળી રહી છે. જ્યારે વરિયાળી અને ઈસબગુલની આવકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સામે દેશાવર કે વિદેશીની ઘરાકી નહીંવત જોવા મળી રહી છે.ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ જીરાની 3000થી 4000 બોરીની આવકો આવી રહી છે. જેની સામે દેશાવર અને વિદેશની ઘરાકી સારી હોવાથી 15 થી 20 હજાર બોરીની ડિમાન્ડ જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં જીરાની ડિમાન્ડ વધુ હોવાથી જીરામાં તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે. હાલ સારા માલના જીરાના મણ ભાવ રૂ. 4700થી 5000, જ્યારે મીડિયમ માલના ભાવ 4200થી 4500 રૂપિયા જોવા મળી રહ્યા છે. રાજસ્થાનમાં એરંડાનુ વાવેતર વધુ થયું હોય તેવું જાણવા મળ્યું છે. જ્યાં જીરાનું વાવેતર લણવાની શકયતાઓ જોવાઈ રહી છે. બીજી તરફ જીરામાં સુકારાની સમસ્યા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઓછા ભાવને કારણે ખેડૂતોએ માલ સંગ્રહી રાખ્યો છે. એકસપોર્ટ હોવાને કારણે જીરાનો માલ વખારોમાં બહાર આવી રહ્યો છે. વધુમાં કાઠિયાવાડ વિસ્તારમાં જીરાનું વાવેતર કપાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે લસણ અને ચણામાં તેજી હોવાથી ખેડૂતો આ વાવેતર તરફ વળે તેવું લાગી રહ્યું છે. લસણ અને ચણાના ભાવ લગભગ બમણાં થયાં હોવાથી લસણ અને ચણાનું વાવેતર વધશે જેની સામે જીરાનું વાવેતર ઘટશે તેવું દેખાઈ રહ્યું છે. ગોંડલ વિસ્તારમાં લસણનું વાવેતર વધુ થવાની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે બીજી તરફ દ્વારકા વિસ્તારમાં ચણાનું વાવેતર વધુ થાય તો નવાઇ નહીં. એટલે કે મહ્દઅંશે જીરામાં તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે. જીરાના માલની ખેડૂતો પાસે પકડ છે. બીજી તરફ દેશાવરની ઘરાકી સારી હોવાથી વખારોના માલ બજારમાં ઠલવાઈ રહ્યા છે. અને જીરાનું વાવેતર જો ઓછું થવાની શક્યતા છે. આ બધા પાસાઓને જોતાં જીરામાં તેજીના એધાણ દેખાઈ રહ્યા છે.
વરિયાળીની 3 હજાર બોરીની આવક :
વરિયાળીની સરેરાશ આવકો 3 હજાર બોરીની જોવા મળી રહી છે. જોકે દેશાવર કે વિદેશની કોઈ વેચવાલી નથી. વરિયાળીના સરેરાશ ભાવ 1100થી 1200 રૂપિયા અને સારા માલના 1400 રૂપિયા જોવા મળી રહ્યા છે. દેશાવર અને વિદેશની ઘરાકી ના હોવાથી તેજી થવાની હાલ કોઈ શકયતાઓ નથી. રાજસ્થાનમાં ઈસબગુલનું વાવેતર વધુ થવાની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં ઈસબગુલનુ વાવેતર ઓછુ થશે તેવી ધારણ સેવાઈ રહી છે. ઈસબગુલના સરેરાશ ભાવ 2400 થી 2500 રૂપિયા રહેવા પામ્યા છે. જ્યારે પેકેટ માલના 2600 રૂપિયા રહ્યા છે.