Cyclone Dana In Odisha: ઓડિશાના દરિયાકાંઠે દાના વાવાઝોડું ત્રાટક્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન સફળ થયું છે. કારણ કે ગુરુવારે રાત્રે દરિયાકાંઠે ત્રાટકેલા દાના વાવાઝોડાથી કોઈ માનવ જીવનના નુકસાન અથવા ઈજાઓ પહોંચી નથી.’
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરને આપી સૂચના
ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝીએ શુક્રવારે અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા કલેક્ટરોને શક્ય તેટલી વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરવા આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે રાજ્યમાં આવેલા દાના વાવાઝોડાના કારણે ઊભી થયેલી સંકટની પરિસ્થિતિનો સામનો કરવામાં અને ઝીરો કેઝ્યુઅલ્ટી મિશનમાં રહ્યા છીએ.’
અનેક વૃક્ષો ધરાશાયી થયા
દાના વાવાઝોડાએ ઓડિશાના બાલેશ્વર જિલ્લામાં વ્યાપક નુકસાન કર્યું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા અને રસ્તાઓ બંધ થઈ ગયા હતી. જિલ્લા પ્રશાસને તાત્કાલિક પગલાં લીધાં અને રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી શરૂ કરી, જેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે. વહીવટીતંત્રની ત્વરિત કાર્યવાહીથી પરિસ્થિતિ ટૂંક સમયમાં કાબૂમાં આવી ગઈ.