જે લોકો રાશનની દુકાન પરથી સબ્સિડાઇઝ રેટ વાળું રાશન અથવા સરકારની મફત રાશન યોજનાનો લાભ લેતાં હોય છે તેમના માટે સરકારે મોટી જાહેરાત કરી છે. અનાજ અને ચોખા આપતી આ દુકાનો સામાન્ય રીતે જૂની વસાહતો અને પછાત વિસ્તારોમાં જ હોય છે, પરંતુ સરકાર હવે આ દુકાનોનું મેકઓવર કરવાનું પ્લાન કરી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી આ માટે યોજના તૈયાર કરવામાં આવી છે. આ દુકાનોને પાયલેટ પ્રોજેક્ટ હેઠળ યુપી, ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણાની 60 રાશનની દુકાનોને ‘જન પોષણ કેન્દ્ર’માં બદલવા પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એફપીએસ (સરકારી રાશનની દુકાન) ની ક્ષમતા વધારવા અને પોષણયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનું છે. પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત એફપીએસ ડીલરને સબ્સિડી વાળા અનાજ ઉપરાંત તેમના ઉત્પાદનોમાં વિવિધતા લાવવાની સંમતિ પણ આપવામાં આવશે. મેકઓવર બાદ આ દુકાનોમાં બાજરી, વિવિધ પ્રકારની દાળો, ડેરી પ્રોડક્ટ અને દૈનિક ઉપયોગમાં લેવાતી જરૂરી સામગ્રી પણ વેચી શકાશે. જેનાથી ડીલરની પણ આવક વધશે. કેન્દ્રીય મંત્રીએ આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે કહ્યું કે,’આ પરિવર્તન બંને પક્ષો માટે ફાયદાકારક હશે. વર્તમાન સમયમાં કેટલાક ક્ષેત્રોમાં રાશનની દુકાનો માત્ર 8-9 દિવસ જ ખૂલ્લી રહે છે, જ્યારે કેટલાક કેન્દ્રો માત્ર ત્રણ મહિનામાં એક જ વાર ખૂલતા હોય છે, તે સિવાયના સમયે આ દુકાનો બંધ રાખવામાં આવતી હોય છે.’ મંત્રીએ આ દરમિયાન મેરા રાશન એપ્લિકેશનનું અપ્ડેટેડ વર્ઝન પણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે ‘હાલ સમગ્ર દેશમાં રાશનની લગભગ 5.38 લાખ જેટલી દુકાનો છે. રાશનની દુકાન ચલાવતા ડીલરો માટે વર્તમાન સિસ્ટમ મુજબ મળતું કમિશન પર્યાપ્ત નથી. એવી સ્થિતિમાં દુકાનની જગ્યા અને જનશક્તિનું વધુ અસરકારક રીતે ઉપયોગ કરવા માટે વૈકલ્પિક ઉપાયોની આવશ્યકતા છે.’
ગુજરાત સહિત ચાર રાજ્યોમાં રાશનની દુકાનો પર ડેરી અને FMCG પ્રોડક્ટ મળશે : કેન્દ્ર સરકારનો નવો પ્લાન
Date: