અમદાવાદ : અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં તાજેતરમાં રેસિડેન્ટ ડોકટર ઉપર હુમલો કરવાનો બનાવ બન્યો હતો.આ બનાવ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલોમાં વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.દાખલ કરવામા આવેલા દર્દીની સાથે માત્ર એક જ સ્વજન રહી શકશે. આ ઉપરાંત વિઝીટર્સ અવર્સ સિવાય દર્દીના સ્વજનો દર્દીને મળી શકશે નહીં.વિઝીટર્સને હોસ્પિટલમાં પાસ સિવાય પ્રવેશ મળશે નહીં.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં ૪૫૦૦થી વધુ મેડીકલ તથા ૫૦૦૦ જેટલો પેરામેડીકલ સ્ટાફ ફરજ બજાવી રહયો છે.આ તમામની સુરક્ષાને ધ્યાનમા રાખી વર્ષ-૨૦૧૪માં સ્ટેન્ડિંગ કમિટીમા મંજુર કરવામા આવેલા ઠરાવમા સુધારા કરી હોસ્પિટલો માટે નવી વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા સ્ટેન્ડિંગ કમિટીમા નિર્ણય કરવામા આવ્યો છે.ઓ.પી.ડીમાં સારવાર માટે આવતા દર્દીની સાથે દર્દીની સાથે માત્ર એક જ સ્વજનને પ્રવેશ આપવામા આવશે.નોન ઓ.પી.ડી.અવર્સ દરમિયાન આવતા ઈમરજન્સી,કેઝયુલીટી કેસમા પણ દર્દી સાથે વધુમા વધુ બે સ્વજનને સાથે રાખી શકાશે.આઈ.સી.યુની અંદર તેમજ બહાર એક જ સગાને પ્રવેશ અપાશે.ડીલક્ષ,સ્પેશિયલ તથા સેમિસ્પેશિયલ રુમમા પણ દાખલ દર્દી સાથે બે સગાને પ્રવેશ અપાશે.વિઝીટર્સ અવર્સ સાંજે ૪થી ૬ રહેશે.જેમા મહત્તમ ૩૦ મિનિટ સગા રોકાઈ શકશે.