ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મુકીને વરસ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. વધુ વરસાદના કારણે ઘણી જગ્યાએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ઈમેલ કરીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે પશુપાલકોને થયેલી પશુહાની સામે તાત્કાલિક વળતર અને નદીકાંઠા વિસ્તારે થયેલાં ધોવણનું પૂરતું વળતર આપવાની માગ કરી છે.પાલ આંબલિયાએ 8 જિલ્લા અને 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની પણ માગ કરી છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે. આંબલિયાએ કહ્યું કે, ચાલુ વર્ષે ગુજરાતમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ એમ 6 જિલ્લાઓ અને 68 તાલુકાઓમાં 140 થી લઈને 390 ટકા સુધી વરસાદ નોંધાયો છે. બીજી બાજુ 37 તાલુકામાં 130 થી 140 ટકા વરસાદ નોંધાયો છે. જે સાબિત કરે છે કે, ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ.
પત્ર લખી કરી માગ :
મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખેલા પત્રમાં પાલ આંબલિયાએ 10 હજાર કરોડના પાકની નુકસાની થઈ હોવાનો દાવો કરી નુકસાની માટે સહાય પેકેજની માંગણી કરી છે. સાથે જ આંબલિયાએ માગ કરી છે કે, ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ પણ માફ કરવામાં આવે. સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, ઘેડ વિસ્તારનો જે પ્રશ્ન છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે, નદીંકાંઠે આવેલા ખેતરોમાં મોટું નુકસાન થયું છે, ત્યારે જમીન ધોવાણનું વળતર આપવામાં આવે.
ખેડૂત મહાપંચાયતની ચીમકી :
પત્રમાં ખેડૂતોને થયેલાં પાક નુકસાન સામે SDRF સિવાય ઓછામાં ઓછું રાજ્ય સરકારના ભંડોળમાંથી 10 હજારનું આર્થિક પેકેજ આપવામાં આવે અને 10 ઓગસ્ટ 2020 ના દિવસે જ્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરી હતી, ત્યારે ગુજરાતના 10-12 લાખ ખેડૂતોએ વર્ષ 2020-21 ના વર્ષનું અંદાજે 450 કરોડ કરતાં વધારે પ્રીમિયમ ભરી દીધું હતું. આ યોજના બંધ કરી ત્યારે ખેડૂતોનું પ્રીમિયમ પાછું આપવામાં આવ્યું નથી તો તે પ્રીમિયમને વ્યાજ સહિત ખેડૂતોને પરત કરવાની માગ કરી છે. જો આ માગ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂત મહાપંચાયત બોલાવવાની પણ તૈયારી છે.