Maharashtra Election: હરિયાણામાં જીતને આંખ સામે જોઈને ઉજવણી કરી રહેલી કોંગ્રેસ પરિણામ આવતા જ ઊંધા માથે પડી હતી. આ કારમી હારને અત્યાર સુધી કોંગ્રેસ પચાવી નથી શકી. આ પરિણામનું કારણ ઓવર કોન્ફિડન્સ પણ માનવામાં આવી રહ્યું છે. જેના લીધે હરિયાણામાં દૂધથી દાઝેલી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે છે. સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓ સાથેની મિટીંગમાં રાહુલ ગાંધીએ સાવચેત કર્યાં હતાં, કે તમારે ઓવર કોન્ફિડન્સથી બચવું પડશે. તમે એકજૂટ થઈને કામ કરો અને કોઈપણ પ્રકારના અતિ આત્મવિશ્વાસથી બચીને રહો.
ભાજપ ત્રીજીવાર હરિયાણામાં જીતી
નોંધનીય છે કે, ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને પોતાના દમ પર બહુમતથી રોકનારી કોંગ્રેસને આશા હતી કે, તે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સારા પરિણામ લાવશે. ખાસ કરીને હરિયાણામાં તો પાર્ટીને પોતાના દમ પર સત્તાની આશા હતી, પરંતુ પરિણામે ચોંકાવી દીધાં. ભાજપ સતત ત્રીજીવાર હરિયાણામાં જીતી ગઈ. હવે ભાજપને મહારાષ્ટ્રમાં પણ જીતનો વિશ્વાસ જાગી ગયો છે. જોકે, કોંગ્રેસ ત્યાં હજુ ખૂબ જ સાવધાનીથી ચાલી રહી છે. હજુ સુધી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એવા વિશ્વાસમાં નથી કે, તે પહેલાં નંબર પર રહેશે.
INDIA ગઠબંધન માટે પડકાર
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણી પણ INDIA ગઠબંધન માટે એક પડકાર છે. ઉદ્ધવ ઠાકરે સૌથી વધારે બેઠક ઈચ્છે છે, જોકે કોંગ્રેસનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીના પ્રદર્શનને જોતા તે સૌથી વધારે બેઠકો પર લડશે. જોકે, આ વાત પર ત્રણેયની વચ્ચે સંમતિ જોવા મળી રહી છે કે, તે કોઈપણ પરિસ્થિતિમાં ચૂંટણીમાં એકસાથે જ ઉતરશે. જણાવી દઈએ કે, મહાવિકાસ અઘાડીને લોકસભા ચૂંટણીમાં સારી સફળતા મળી હતી. રાજ્યની 48 માંથી 31 બેઠકો પર ગઠબંધન જીત્યું હતું. વળી, ભાજપના નેતૃત્વવાળી એનડીએને ફક્ત 17 બેઠક પર જ જીત મળી હતી. ત્યારથી રાજ્યમાં INDIA ગઠબંધન ઉત્સાહમાં છે, પરંતુ હરિયાણાના પરિણામે રાહુલ ગાંધીથી લઈને તમામ પાર્ટીને એલર્ટ કરી દીધાં છે.
બેઠકોને લઈને અસમંજસ
હરિયાણાના ચૂંટણી પરિણામને ધ્યાને લઈને પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, હાલ મતભેદવાળા તમામ મુદ્દાને દૂર જ રાખવામાં આવે. મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર કરવામાં નહીં આવે. અત્યાર સુધી ત્રણ પાર્ટી વચ્ચે જે વાત થઈ, તે મુજબ કોંગ્રેસ 110 થી 115 બેઠક લડી શકે છે. વળી, 90 થી 95 બેઠક ઉદ્ધવ સેનાને મળવાની આશા છે. શરદ પવારની એનસીપીને 80 થી 85 બેઠક મળી શકે છે.