દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવ્યા હતા. માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી.માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અત્યાર સુધીમાં 200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા મેન્યુઅલી શરૂ કરવામાં આવી રહી છે. હાલ 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો 26 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ એપમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ છે.
જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ છે. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ છે. ત્યારે સ્પાઇસજેટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમે હાલમાં અમારા સેવા પ્રદાતા સાથે ટેકનિકલ પડકારોનો અનુભવ કરી રહ્યા છીએ, જે બુકિંગ, ચેક-ઇન અને બુકિંગ કાર્ય સહિતની ઓનલાઈન સેવાઓને અસર કરી રહી છે. આ કારણે, અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સક્રિય કરી છે. હાલમાં આ ટેક્નિકલ ખામીને કારણે બ્રિટિશ રેલ્વેએ તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. ઈન્ડિગોએ કહ્યું છે કે હાલમાં અમારી સિસ્ટમ્સ માઈક્રોસોફ્ટ આઉટેજથી પ્રભાવિત છે, જે અન્ય કંપનીઓને પણ અસર કરી રહી છે. આ સમય દરમિયાન, બુકિંગ, ચેક-ઇન, તમારા બોર્ડિંગ પાસની તેમજ ઍક્સેસ અને કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. ભારતની રાજધાની દિલ્હી એરપોર્ટ પર ઓનલાઈન સેવાઓ ઠપ થઈ ગઈ છે. અને સર્વરની ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બેંક કેપિટેક પણ આ સમસ્યાથી પ્રભાવિત થઈ છે.યુરોપમાં રાયનએરે કહ્યું છે કે નેટવર્કની ખામીને કારણે ફ્લાઇટ્સ સંચાલનને અસર થઇ છે. મુસાફરોને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં રાયનએર એપ પર ફ્લાઇટ્સના અપડેટ્સ ચકાસતા રહેવા કહેવાયું છે. બ્રિટનમાં રેલવે સિસ્ટમ પણ પડી ભાંગી છે. માઈક્રોસોફ્ટ આઉટેજના કારણે રેલવે કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે તેઓને ચાલતી ટ્રેનોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજને કારણે સ્કાય ન્યૂઝ ચેનલ બંધ કરવી પડી હતી. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ કામકાજ બંધ થઈ ગયું છે. માઈક્રોસોફ્ટમાં ગ્લોબલ ટેકનિકલ ખામી સર્જાતા ઓસ્ટ્રેલિયા સરકાર હરકતમાં આવી છે. સરકારે આ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવી છે. મહત્ત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં પણ એરલાઈન્સ, સુપર માર્કેટ, મોલ અને મીડિયા સેવાઓ પર અસર થઈ છે. અહીં ABC ન્યૂઝ ચૅનલમાં ખામી સર્જાતા બંધ થઈ હતી.