રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીનો ઉપદ્રવ યથાવત્ છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એક મહિનામાં જ ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બરના 22 દિવસમાં સોલા સિવિલ હૉસ્પિટલમાં ડેન્ગ્યુના 1839 શંકાસ્પદ કેસમાંથી 357 પોઝિટિવ આવ્યા હતા. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 152, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 89 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 16 કેસ સામે આવે છે. બીજી તરફ અસારવા સિવિલમાં ઑગસ્ટમાં 243 કેસ નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બરના 26 દિવસમાં ડેન્ગ્યુના 343 કેસ નોંધાયા છે.