ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન, રેલવે બાબુઓની બેદરકારીના લીધે ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે. લોકોને વિવિધ શહેરોમાં અવરજવર કરવા માટે સરળતા રહે તે માટે શરૂ કરાયેલી રેલવેની સુવિધા આજે બૂટલેગર અને ડ્રગ્સના પેડલર માટે નશીલા પદાર્થની હેરફેર કરવાનું સૌથી સુરક્ષિત માધ્યમ બની ગયું છે. છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી 2.55 લાખનો દારૂ, ગાંજો પકડાયો હતો. તેમજ મોબાઈલ, રોકડ સહિત કુલ 26.29 લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
છૂક છૂક ગાડી જાણે કે અસામાજિક તત્વોના અડ્ડામાં ફેરવાઈ :
1 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધીના માત્ર દોઢ મહિનામાં રેલવેમાં દારૂના 18 બેગ સહિતના સામાનની ચોરીના 37, મોબાઈલ ફોનની ચોરીના 37 અને ગાંજો પકડવાના બે કેસ કેસ પોલીસ મથકે નોંધાયા છે. અલબત, આ તો છીડે ચડેલા ચોર છે, બાકી આ સિવાય અનેકગણી વધારે માત્રામાં અસામાજિક કૃત્યો ટ્રેનમાં થઈ રહ્યા છે. આમ તો મુસાફરોની સલામતી માટે આરપીએફ અને રેલવે પોલીસ એમ બે ફોર્સ છે. આમ છતાં હવે ટ્રેનમાં મુસાફરી કરવામાં લોકો ધીમે ધીમે અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. દોઢ મહિનામાં વિવિધ લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેન સહિત અમદાવાદ અને અસારવા રેલવે મથક પરથી 15.78 લાખના મુદ્દામાલ ભરેલી અનેક બેગ ચોરાઈ ગઈ હોવાની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં રોકડા રૂપિયા, લેપટોપ, ચાર્જર, ડિજિટલ કેમેરા, સોના- ચાંદીના દાગીના, ઓળખપત્ર તથા જરૂરી દસ્તાવેજ સહિતની ચીજવસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયાં હતાં. ખાસ કરીને ગઠિયા ટ્રેનમાં ઊંઘી રહેલા મુસાફરોને પોતાનો ટાર્ગેટ બનાવી તેઓના સીટ નીચે રાખેલી બેગ તેમજ ખિસ્સા કે પાકિટમાં રાખેલી મત્તા સેરવી જાય છે. ટ્રેન ઉભી રહેતાં મુસાફરો વોશરૂમ કે મથક પર ખાણીપીવીની ખરીદી માટે જાય ત્યારે ચોરોને મોકળું મેદાન મળી રહે છે. ત્યારે, મુસાફરો માટે સૌથી સુરક્ષિત અને આરામદાયી ગણાતી વંદભારત ટ્રેનમાંથી પણ ગત 31 ઓગસ્ટના રોજ મુંબઈથી અમદાવાદ આવતા બોપલના યુવકની 75 હજારની મત્તા ભરેલી ટ્રોલી બેગ ચોરી થઈ જતાં ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. એટલું જ નહીં રેલવે મથકના પરિસરમાં પાર્ક કરેલા 85 હજારના ત્રણ ટુવ્હીલર ચોરી થયા હતાં.
ત્રણ યુવકોના 1.03 લાખની કિંમતના 3 ફોન ઝુંટવાઈ ગયા :
ટ્રેનમાંથી વારંવાર ગાંજો તો મળે પરંતુ મોટાભાગે આરોપી પકડાતા નથી. પોલીસ અને રેલવે તંત્ર ભરનિંદ્રામાં પોઢેલું હોવાથી પૅડલરો ટ્રેન મારફતે ખુલ્લેઆમ ગાંજા અને ડ્રગની હેરાફેરી કરે છે. પોલીસ પણ વરસમાં ટાર્ગેટ પૂરા કરવા માટે કાર્યવાહી કરી નશીલા પદાર્થને પકડે છે. ગત પાંચ ઓગસ્ટના રોજ અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી 49 હજારની કિંમતનો 04.964 કિલો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. નોંધનીય છે કે પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી અગાઉ પણ અનેક વખત લાખો રૂપિયાનો ગાંજો મળી આવ્યો છે. પરંતુ દરવખતે ગાજો બિનવારસી હાલતમાં મળી આવતો હોવાથી પોલીસ તંત્ર સામે નાગરિકોમાંથી સવાલ ઉઠી રહ્યા છે. તેમજ 9 સપ્ટેમ્બરના રોજ ઓરિસ્સાના બે શખ્સો 1.62 લાખની કિંમતનો 19.225 કિલોગ્રામ ગાંજો ઓરિસ્સાથી ટ્રેન મારફતે અમદાવાદ લઈ આવ્યા ત્યાં સુધી પોલીસને તેની જાણ સુદ્ધાં થઈ ન હતી.