અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકા ઘટાડો કરવામાં આવ્યા બાદ બુલિયન માર્કેટમાં તેજી જ તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારોના સથવારે તેમજ સ્થાનિકમાં આવક કરતાં માગ વધતાં કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચ્યા છે.અમદાવાદ ચોક્સી મહાજન દ્વારા જારી રેટ અનુસાર, કોમોડિટી બજારોમાં વ્યાપક તેજીના પગલે આજે સ્થાનિક બજારમાં સોનું રૂ. 300 વધી પ્રથમ વખત 78000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યુ છે, આ સાથે સોનાની કિંમત રૂ. 78100 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. બીજી તરફ ચાંદી વધુ રૂ. 1000 ઉછળી રૂ. 90500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. માર્કેટ નિષ્ણાતોના મતે, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, નબળો યુએસ ડોલર, વ્યાજના દરોમાં કાપ, ઔદ્યોગિક માગમાં વધારો સહિતના પરિબળોના કારણે ચાલુ કેલેન્ડર વર્ષ કિંમતી ધાતુ માટે આશીર્વાદ સમાન રહ્યું છે. રોકાણકારોએ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી કોમેક્સ સોનામાં 29 ટકા અને કોમેક્સ ચાંદીમાં 34 ટકા રિટર્ન મળ્યું છે. સ્થાનિક બજારમાં સોનામાં 19.60 ટકા અને ચાંદીમાં 22.19 ટકા રિટર્ન છૂટ્યું છે. એમસીએક્સ ચાંદીમાં 24 ટકા, એમસીએક્સ સોનામાં 20 ટકાથી વધુ રિટર્ન પ્રાપ્ત થયુ છે.
ચાંદી રૂ. 100000 ક્રોસ કરે તેવી તીવ્ર શક્યતા :
કોમોડિટી માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં ઘટાડો, ચીન દ્વારા કિંમતી ધાતુની માગમાં વૃદ્ધિ, ઈવી-ગ્રીન એનર્જીના વેગના કારણે ચાંદીની માગ વધી છે. જે વર્ષના અંત સુધી ચાંદી છ ડિજિટનો આંકડો અર્થાત 1 લાખની સપાટી ક્રોસ કરે તેવી તીવ્ર શક્યતાઓ દર્શાવે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) મુજબ, ગ્લોબલ રિન્યુએબલ ક્ષમતા 2030 સુધીમાં 50% વધવાની ધારણા છે, જે ચાંદીની ઔદ્યોગિક માંગને પ્રોત્સાહન આપશે.