Maharashtra-Jharkhand Election Date : દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાશે. આ પહેલા ચૂંટણી પંચે 16મી ઓગસ્ટે હરિયાણા વિધાનસભા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જાહેર કરી ત્યારે એવી ચર્ચા હતી કે, પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની પણ તારીખ જાહેર કરશે. જોકે પંચે બંને રાજ્યો માટે કોઈ જાહેરાત કરી ન હતી.
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ હવે બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે નવા ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છીએ. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં 130 કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીમાં કોઈ હિંસા થઈ નથી. એક પણ ગોળી ચલાવવામાં આવી નથી. દર ચૂંટણીમાં ઘટતી હિંસા અને વધતી જતી વોટ ટકાવારી દર્શાવે છે કે લોકો મતદાનમાં ભાગીદારી વધારી રહ્યા છે. કુછ તો લોગ કહેગેં, લોગોં કા કામ હૈ કહના…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દિવાળી બોનસની જાહેરાત કરી
ચૂંટણીની જાહેરાતની થોડી મિનિટો પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નીચલા સ્તરના સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. BMC કર્મચારીઓને 29 હજાર રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે ગયા વર્ષ કરતાં ત્રણ હજાર વધુ છે. કિન્ડરગાર્ટન શિક્ષકો અને આશા વર્કરોને પણ બોનસ મળશે.
બંને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામશે
મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય માહોલ હાલ ગરમાયો છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ સરકારમાં NCPનો અજિત જૂથ પણ સામેલ છે. આ ચૂંટણીમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું મહારાષ્ટ્રના મતદારો વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂકે છે કે પછી શિવસેના (ઉદ્ધવ જૂથ), એનસીપી (શરદ જૂથ) અને કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળે છે.
મહારાષ્ટ્રમાં કુલ 288 અને ઝારખંડમાં કુલ 81 બેઠક
મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.
પેટાચૂંટણીની તારીખ પણ જાહેર થવાની સંભાવના
બે વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત ચૂંટણી પંચ ત્રણ લોકસભા અને ઓછામાં ઓછી 47 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે, જે વિવિધ કારણોસર ખાલી પડી છે. ખાલી પડેલી ત્રણ લોકસભા બેઠકોમાં કેરળની વાયનાડ, મહારાષ્ટ્રમાં નાંદેડ અને પશ્ચિમ બંગાળમાં બસીરહાટનો સમાવેશ થાય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી જીત મેળવી હતી. ગાંધીએ વાયનાડ બેઠક ખાલી કરી હતી અને રાયબરેલી બેઠક જાળવી રાખી હતી. નાંદેડ સીટનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના સાંસદ વસંત ચવ્હાણ અને બસીરહાટ સીટનું પ્રતિનિધિત્વ કરતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હાજી શેખ નુરૂલ ઈસ્લામનું તાજેતરમાં અવસાન થયા બાદ બંને બેઠકો ખાલી પડી છે..