ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ થોડા દિવસો પહેલા આપેલા નિવેદનથી રાજકારણ ગરમાયું છે. લખનઉથી લઈને દિલ્હી સુધી તેની ચર્ચા ચાલી છે. સીએમ યોગી આદિત્યનાથે સાથે તેમના તણાવની ખબરો વાયુ વેગે ફેલાઈ છે. જોકે, દિલ્હીમાં બેઠક થયા બાદ સ્થિતિ સામાન્ય બની રહી હોય તેવું નજર આવ્યું. થોડા કલાકો પહેલા ડેપ્યુટી સીએમ મુખ્યમંત્રી યોગીની બાજુમાં બેઠેલા નજર આવ્યા. પરંતુ બાદમાં તેમણે જે કહ્યું તે ફરી એક વાર ચર્ચામાં છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે, પાર્ટી જ ચૂંટણી લડે છે અને જીતે છે.
સરકારના બળ પર ચૂંટણી નથી જીતાતી. મોર્યની આ ટિપ્પણી એટલા માટે મહત્વની છે કારણ કે, થોડા સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે, સરકાર કરતા સંગઠન હંમેશા મોટું છે. લખનઉમાં ભાજપની રાજ્ય યુનિટના પછાત વર્ગ મોરચાની કાર્યસમિતિની બેઠકને સંબોધિત કરતા મોર્યએ કહ્યું કે, શું 2014માં ભાજપની સરકાર હતી? શું આપણે (લોકસભા) ચૂંટણી જીત્યા હતા? 2017 (ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી)માં શું આપણી સરકાર હતી? આપણને જીત મળી હતી કે નહોતી મળી? તેમણે કહ્યું કે, જ્યારે આપણે જીત્યા હતા ત્યારે સરકાર નહોતી અને જ્યારે સરકાર હતી તો આપણને લાગ્યું કે, સરકારના બળ પર આ કરી શકીએ છીએ. સરકારના બળ પર ચૂંટણી નથી જીતી શકાતી. પાર્ટી જ લડે છે અને પાર્ટી જ જીતે છે. હંમેશા પાર્ટી જ ચૂંટણી લડે છે અને પાર્ટી જ જીતે છે. પાર્ટી કાર્યકર્તાઓને આગામી 2027 યુપી વિધાનસભા ચૂંટણી માટે કમર કસવાનો આગ્રહ કરતા તેમણે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કરેલી ભૂલોને ભૂલી જાઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરો.