વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોને ભોજન પૂરું પાડતી સંસ્થા અક્ષયપાત્રના ડ્રાઈવરો વીજળીક હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 130 સ્કૂલોમાં અક્ષયપાત્ર સંસ્થા પોતાના વાહનો મારફતે સવાર અને બપોરે એમ બંને પાળીમાં ભોજન પહોંચાડે છે. જોકે પગારનો અસંતોષ અને બીજી માંગણીઓને લઈને આ વાહનોના ડ્રાઈવરો આજે સવારે અચાનક હડતાળ પર ઉતરતા દોડધામ મચી ગઈ હતી.જો હડતાળ ખતમ ના થાય તો સ્કૂલોમાં ભણતા હજારો વિદ્યાર્થીઓ સુધી ભોજન ના પહોંચે અને વિદ્યાર્થીઓ ભૂખ્યા રહે તેવી સ્થિતિ સર્જાય તેમ હતી. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કલેકટર કચેરીના એક અધિકારી સ્થળ પર દોડયા હતા અને તેમણે ડ્રાઈવરોને સમજાવીને હડતાળ ખતમ કરાવી હતી. જેના કારણે વાહનોમાં ભોજન સ્કૂલોને મોકલવાનુ શરું થયું હતું. આમ છતા કેટલીક સ્કૂલોમાં ભોજન મોડું પહોંચ્યું હોવાની ફરિયાદો ઉભી થઈ હતી. ડ્રાઈવરોનું કહેવું હતું કે, સ્કૂલોમાં જ્યારે વેકેશન હોય ત્યારે ભોજન પહોંચાડવાની કામગીરી બંધ રહે છે પણ અમને વેકેશનના સમયનો પણ પગાર અત્યાર સુધી આપવામાં આવતો હતો. આ વખતે તે પગાર અટકાવી દેવાયો છે. જે અમને આપવામાં આવે. સાથે-સાથે 12 વર્ષથી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ દીવાળીમાં બોનસ આપવામાં આવે.