હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત આભ ફાટ્યું છે. શિમલાના રામપુરમાં આભ ફાટવાથી તેની ચપેટમાં આવી 30 મીટર લાંબો રોડ આખો ધોવાઈ ગયો છે. વહીવટી તંત્રએ સમગ્ર વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. શિમલાના ડીસી અનુપમ કશ્યપ અને એસપી સંજીવ ગાંધીએ ઘટના સ્થળની મુલાકાત કરી છે. હજુ સુધી નુકસાનની સમગ્ર વિગત સામે નથી આવી. બીજી તરફ શનિવારે ચાર જિલ્લા શિમલા, ચમ્બા કાંગડા અને સિરમૌરમાં પૂરનું યલો એલોટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે યલો એલર્ટ વચ્ચે શુક્રવારે માત્ર રાજધાની શિમલામાં જ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.27 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી લઈને 3 ઓગસ્ટ સુધીમાં હિમાચલ પ્રદેશને 662 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે વરસાદ સાથે સંબંધિત ઘટનાઓમાં 79 લોકોના મોત થઈ ચૂક્યા છે.હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં 31 જુલાઈના રોજ આભ ફાટવાથી આવેલા અચાનક પૂરથી મૃતકોની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, કુલ્લૂના નિરમંડ, સૈન્જ અને મલાણા, મંડી, પધર અને શિમલાના રામપુરમાં અચાનક આવેલા પૂરની ઘટનામાં ઓછામાં ઓછા 23 લોકો હજુ પણ ગુમ છે. શિમલાના એસપી સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું કે, રામપુરની આસપાસ સુન્ની બંધ અને સતલુજ નદીના કિનારેથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. જિલ્લામાં લગભગ 14 લોકો હજુ પણ ગુમ છે.તેમણે જણાવ્યું કે ઘટના સ્થળેથી શુક્રવારે એક મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે છેલ્લા છ દિવસમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. રામપુરમાંથી મળી આવેલા 19 મૃતદેહોમાંથી 11 મૃતદેહોની ઓળખ DNA દ્વારા કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે, મંડીના રાજભાન ગામમાંથી 9 મૃતદેહો અને કુલ્લૂના નિરમંડ/ બાગીપુલમાંથી ચાર મૃતદેહો મળી આવ્યા છે.