દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના નહેરુનગર પાસે અમદાવાદના રાજાની સ્થાપના કરવામાં આવી છે. સતત 17 વર્ષથી નહેરુનગર પાસે ‘અમદાવાદના રાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ ગણેશ મહોત્સવનું 18 મું વર્ષ છે.અત્યાર સુધી અમદાવાદના રાજાને હાથી પર બેસાડીને શોભાયાત્રા યોજવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે અલગ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે વિન્ટેજ કારમાં બેસાડીને અમદાવાદના રાજાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સારા મુહૂર્તમાં ગણેશજીની વિધિવત સ્થાપના કરવામાં આવી.જે બાદ આરતી ઉતારીને અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.નહેરુ નગર પાસે સતત 7 દિવસ સુધી અમદાવાદના રાજા બિરાજમાન રહેશે. આ દરમિયાન દરરોજા રાત્રિના સમયે ભવ્ય આરતી ઉતારવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનનો લ્હાવો લેશે. સાતમા દિવસ બાદ 13 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.