કોંગ્રેસને પાર્ટીએ પહેલાં હરિયાણા અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પાર્ટી હારના કારણો પર મંથન કરી રહી છે. જોકે, હારના મંથન પહેલાં પાર્ટીનો આંતરિક વિખવાદ જ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછું સચિન પાયલટ અને ગેહલોત વચ્ચેનો આંતરિક વિવાદ ઉપસીને આંખે વળગ્યોછે. સોમવારે (16 ડિસેમ્બર) રાજધાની જયપુરમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠકમાં ફરી બંને દિગ્ગજ નેતાઓનો વચ્ચેનું ઘર્ષણ સામે આવ્યું, જેનું કારણ એક બેનર બન્યું. હકીકતમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટની તસવીર બેઠકના બેનરમાંથી ગાયબ છે.
પાર્ટીની મજબૂતી પર ઊભા થયાં સવાલ :
જણાવવામાં આવી રહ્યું છે કે, આ મુદ્દો ત્યારે ઊભો થયો જ્યારે અમુક કોંગ્રેસ સભ્યોએ પાયલટની તસવીર ન હોવા પર નારાજગી વ્યક્ત કરી. આ મુદ્દો સૌથી પહેલાં પ્રદેશ સચિવ નરપત મેઘવાલે ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિભા માથુરે પણ સચિન પાયલટની તસવીર ગાયબ થવા પર પ્રશ્ન ઊભા કર્યા હતાં. પૂર્વ મુખ્યમંત્રી શિવચરણ માથુરની પૌત્રી અને પાયલટની સમર્થક વિભા માથુર પણ બાદમાં આ ચર્ચામાં સામેલ થયાં. વિભા માથુરે કહ્યું, જ્યારે એક પ્રમુખ નેતાની જ તસવીર ગાયબ હોય તો આપણે પાર્ટીને મજબૂત કરવાની વાત કેવી રીતે કરી શકીએ? બેનરમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તસવીર છે, તો સચિન પાયલટની કેમ નહીં?
પાર્ટીની એકતા પર ધ્યાન આપોઃ ડોટાસરા :
સમગ્ર મુદ્દે પાર્ટીના સભ્યોની તીખી ટિપ્પણીઓ સામે આવ્યા બાદ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ બેનર ડિઝાઇનની પાછળ પ્રોટોકોલનું કારણ જણાવતા આ નિર્ણયનો બચાવ કર્યો. ડોટાસરાએ ટિપ્પણી કરનાર નેતાઓની ટીકા કરતા કહ્યું કે, પોસ્ટર પર તસવીરો કોંગ્રેસના દિશા-નિર્દેશોનું પાલન કરે છે. આ સિવાય પાર્ટીના સભ્યોને સલાહ આપતા કહ્યું કે, આપણાં સભ્યોએ પાર્ટીની એકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વિવાદ એક બેનરથી શરૂ થયો, જેમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના સીનિયર કોંગ્રેસ નેતાઓની તસવીરો પ્રમુખતાથી દર્શાવવામાં આવી, પરંતુ સચિન પાયલટને તેમાં સામેલ કરવામાં ન આવ્યા. આ મુદ્દાને સંબોધિત કરતાં ડોટાસરાએ આ ઘટનાને આંતરિક મામલો જણાવતા કહ્યું, ‘લોકોએ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે, જેનો સ્વીકાર કર્યો.’જણાવી દઈએ કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 સમયે સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેના આંતરિક વિવાદે કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે જ કોંગ્રેસે સત્તા પણ ગુમવવી પડી હતી. ભાજપે 115 અને કોંગ્રેસે 69 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જોકે, 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 100 બેઠકો સાથે રાજ્યની સત્તા કબ્જે કરી હતી. બીજી બાજુ ભાજપ પાસે ફક્ત 73 બેઠકો જ હતી. ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાજકીય વિશ્લેષકોએ કોંગ્રેસની હાર પાછળ આંતરિક વિખવાદને મુખ્ય કારણ જણાવ્યું હતું.