કચ્છના મુન્દ્રામાં શુક્રવારે (13મી સપ્ટેમ્બર) દબાણ હટાવવાની કામગીરીને લઈને બબાલ થઈ હતી. ક્યા દબાણ હટાવવા અને ક્યા ન હટાવવા મુદ્દે ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલના નગરપાલિકા પ્રમુખના પતિ અને પૂર્વ નગરપતિ બંનેએ પોલીસ અને વહીવટી તંત્ર વિરૂદ્ધ મોરચો માડ્યો હતો. ડાક બંગલાથી ન્યુ મુન્દ્રા વચ્ચે દબાણ હટાવ ટીમ જે રસ્તે જતી હતી તે રસ્તા પર બેસી જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતા. આ દરમિયાન ભાજપના નેતાઓ ભાષાની મર્યાદા ચૂક્યા હોવાના આક્ષેપો થયા છે. ભાજપના નેતાએ અપશબ્દ બોલી અધિકારીઓ પર દાદાગીરી કરી હોવાના વીડિયો પણ વાઈરલ થયા છે.ડાક બંગલાથી ભાનુશાળી ફાર્મ નજીક દબાણો તોડી પડાયા. જ્યારે બાજુની મીરઝા વાડીમાં આવેલી દુકાનો ન તોડાઈ તે મુદ્દે ચકમક ઝરી. નગરપાલિકા પ્રમુખના પતિ અને પૂર્વ નગરપતિનો દાવો છે કે, ‘પ્રશાસન અમકુ જ દબાણો પર કાર્યવાહી કરે છે, અને અમુક દબાણો દૂર નથી કરતા.’ પોલીસ અને અધિકારીઓએ રૂપિયા લીધા હોવાનો પણ ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે.પ્રશાસનના અધિકારીઓનો દાવો છે કે, ‘જે દબાણોને નોટિસ અપાઈ હતી તે દબાણો તોડાયા છે. પરંતુ નેતાઓ જે દબાણ તોડવાની વાત કરે છે તે મીરઝા વાડીની દુકાનોને હજુ નોટિસ નથી મળી તેથી તે દબાણો તોડી શકાયા નથી. જેને લઈને નગરપાલિકા અને પ્રશાસન વચ્ચે સંકવલનનો અભાવ પણ છતો થયો. નોટિસ મળશે એટલે તે દબાણોને પણ તોડી પડાશે. જ્યારે નેતાઓ તે દબાણો તાત્કાલિક તોડવાની માગ સાથે વિરોધ કરવા રસ્તા પર ઉતરી પડ્યા અને રામધૂન બોલાવી હતી.
ભાજપના નેતા અને વહીવટી તંત્ર આમને-સામને :
ભાજપના નેતાઓની કચ્છના વહીવટી અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર દાદાગીરી કરવાનો વીડિઓ વાઈરલ થયો છે. નેતાઓએ વહીવટી તંત્ર અને પોલીસના કામમાં અડચણ ઊભી કરી તેમને અભદ્ર ભાષા બોલ્યા. તેમ છતા અધિકારીઓ મુક પ્રેક્ષક બની રહ્યા. જો સામાન્ય લોકોએ આ રીતે વિરોધ કર્યો હોય અને નેતાઓ જેવી ભાષાનો પ્રયોગ કર્યો હોય તો તંત્ર તેમના શું હાલ કરે તેવા સવાલ ઊઠ્યા છે.