અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હવે તો ઉડીને આંખે વળગે તેવી રીતે ખૂલ્લેઆમ ભ્રષ્ટાચાર શરુ થયો હોય તેમ ઉનાળાના સમયમાં પણ તળાવોમાંથી વેલ, લીલ અને વનસ્પતિની સફાઈના નામે લાખો રુપિયાના ચૂકવણા થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે! ઉનાળામાં કોઈ તળાવમાં પાણી હોતા જ નથી, આ સ્થિતિ વચ્ચે વેલ અને લીલની સફાઈના નામે ત્રણ મળતિયા એજન્સીઓને ચૂકવાતી રકમ અંગે વિજીલન્સ તપાસની માંગ ઉઠી છે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં આમ તો ૧૫૦થી વધુતળાવ આવે છે.
પરંતુ આ પૈકી ૩૭ તળાવની સફાઈ માટે નવ વર્ષમાં રુ.૧૨.૦૫ કરોડની રકમ ચૂકવવામાં આવી હોવાની વિગત બહાર આવી છે. લીલ, વેલ, જંગલી વનસ્પતિ અને કચરાની સફાઈ માટે કુમાર એજ્યુકેશન સોસાયટી, મિનાક્ષી દલિત સખી મંડળ અને દેવ રેસિડેન્સી વેલ્ફેર એસોસિએશન, એમ ત્રણ એજન્સીઓને આ રકમ ચૂકવવામાં આવી છે. ત્રણ જ એજન્સીઓને ચૂકવવામાં આવેલી આ કરોડો રુપિયાની રકમ અંગે સવાલ ઉઠાવતા શહેર કોંગ્રેસના લઘુમતી મોરચાના કાર્યકારી પ્રમુખે જણાવ્યું છે કે, મ્યુનિ.ના મેલેરિયા અને હેલ્થ વિભાગમાં તળાવોની સફાઈના નામે રીતસર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ત્રણ સિવાયની અન્ય કોઈ એજન્સી મ્યુનિ.ને મળતી જ નથી. વર્ષના ૧ર મહિનામાં ચાર-પાંચ મહિના તળાવોમાં પાણી હોય છે, બાકીના ૭ મહિના તળાવો સૂકા રહે છે. તેમ છતાં આખુ વર્ષ બીલો ચૂકવવામાં આવે છે. ત્યારે આ કૌભાંડ અંગે વિજીલન્સ તપાસ કરી તળાવની સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી મ્યુનિ.ના સફાઈ કામદારો પાસે જ આ કામગીરી કરાવવાની માંગ કરવામાં આવી છે.