ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાન શરુ કર્યું છે પણ મોળો પ્રતિસાદ મળ્યો છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમ છતાંય સભ્યપદ માટે ભાજપે અવનવા અખતરા અજમાવ્યા છે. આમ છતાંય સભ્ય નોંધાતા નથી. આ કારણોસર હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓને ઠપકો આપ્યો છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં સચિવાલયની બેઠક પણ સદસ્યતા અભિયાનને લીધે જ રદ કરવી પડી છે. પ્રજાના કામોને કોરાણે મૂકીને મંત્રીઓ સભ્ય નોંધણી માટે મત વિસ્તારમાં દોડ્યા છે. આ કારણોસર સચિવાલયમાં મુલાકાતીઓ પણ રખડી પડ્યા હતા.
ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં :
આ વખતે ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં રહ્યું છે કારણ કે, તલાટી, શિક્ષકો, પંચાયત, કોમ્પ્યુટર ઑપરેટરને ટાર્ગેટ અપાયા છે. આ ઉપરાંત શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયા છે. સભ્ય બનવા માટે 500 રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. આવા અખતરા પછીય સભ્યો નોંધાતા નથી. સદસ્યતા અભિયાનના શરુઆતમાં એવી ડીંગો હાંકવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં ભાજપ વધુ સભ્યો નોંધશે પણ એવું થયું નથી. અભિયાનની સમય અવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે 2 કરોડની વાત તો બાજુએ રહી હજુ 50 લાખનો આંકડો પાર થઈ શક્યો નથી.