રાજકોટમાં રહેતા રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો કૌટુંબીક ભાણેજ પ્રિન્સ મનોજભાઇ ઠુમ્મર (ઉ.વ.24, રહે. પેડક રોડ) કેશીનો ગેમમાં રૂા. 1.37 કરોડ હારી ગયો હતો. જેમાંથી રૂા. 71.50 લાખ ચૂકવી દીધા હતા. બાકીના રૂા. 64.50 લાખની વસૂલી માટે ત્રણ આરોપીઓએ તેને અને તેના પિતાને રિવોલ્વર બતાવી ધમકી આપ્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચે ત્રણેય આરોપીઓ ઉત્તમ અશોક વિરડીયા (રહે. પ્રણાલી પાર્ક, શેરી નં.2, 40 ફૂટ રોડ, ઓમ સર્કલ પાસે), સ્મિત કિશોર સખિયા (રહે. ન્યૂ માયાણીનગર, શેરી નં. 2, મવડી મેઇન રોડ) અને રવિ રમેશ વેકરિયા (રહે. સરદારનગર-2, મવડી મેઇન રોડ)ની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં પ્રિન્સે જણાવ્યું છે કે તેને આર્યનગર શેરી નં. 14 માં ખોડિયાર સિલ્વર નામની દુકાન છે. જ્યાં પિતા સાથે મળી ચાંદી કામ કરે છે. દોઢેક વર્ષ પહેલા અમીન માર્ગ પર આઈફોન એરા નામનો મોબાઈલનો શોરૂમ ધરાવતા ઉત્તમ પાસે મિત્ર નેવિક બાસિડા સાથે મોબાઈલ ફોન લેવા ગયો હતો. ઉત્તમ નૈવિકનો મિત્ર હોવાથી તેની સાથે મિત્રતા થઇ હતી. ત્યાર પછી તેની પાસેથી ત્રણ-ચાર મોબાઇલ લીધા હતા. આઠેક માસ પહેલા આઈફોન લીધો હતો. જેમાં ડિસ્પ્લેનો પ્રોબ્લેમ સર્જાતા ઉત્તમના શોરૂમે ગયો હતો. બે દિવસ બાદ રિપેર થઇ ગયેલો મોબાઈલ લેવા જતા ઉત્તમે તેને કહ્યું કે તું મોબાઈલ ફોનમાં ગેમ રમ, તેમાં તને રૂપિયા મળશે. આ વાતચીત થયા બાદ ઉત્તમે પોતાના મોબાઈલમાં એક આઈડી હતી તેમાં કેશીનો ગેમ રમવાનું કહ્યું હતું. સાથોસાથ એમ પણ કહ્યું કે તને રૂપિયા મળશે, જશે નહીં. બાદમાં તેણે ઉત્તમે આપેલા આઈડી અને પાસવર્ડની મદદથી પોતાના મોબાઈલમાં આઈડી ખોલી હતી. તે વખતે ઉત્તમે કહ્યું હતું કે હું તને અત્યારે રૂપિયા 5 લાખનું બેલેન્સ નાખી આપું છું, જે હાર-જીત થાય તેનો હિસાબ દર અઠવાડિયે કરશું.જેથી તેણે પોતાના મોબાઈલમાં કેશીનો ગેમ રમવાનું શરૂ કર્યું હતું. પહેલા અઠવાડિયામાં જ તે રૂ. પાંચ લાખ હારી ગયો હતો. જેથી આ રકમ તેણે કારખાનાના હિસાબમાંથી પિતાની જાણ બહાર ઉત્તમને આપી દીધી હતી. જો કે આ પછી તેણે રમવાની ના પાડતા ઉત્તમે કહ્યું કે હું તને બીજી આઈડી આપુ છું, તેમાં રમજે, જેથી તું જે રૂપિયા હારી ગયો છો તે રિકવર થઇ જશે.
પરિણામે વિશ્વાસમાં આવી તેણે ઉત્તમ પાસેથી બીજી આઈડી લઇ લીધી હતી. જેમાં દર અઠવાડિયે હાર-જીતનો હિસાબ કરતો હતો. ચાર-પાંચ માસ દરમિયાન રૂા. 1.37 કરોડની હાર-જીત થઇ હતી. જેમાંથી તેણે રૂા. 71.50 લાખ ઉત્તમને આપી દીધા હતા. તેમાંથી રૂા. 47 લાખ રોકડા હતા. જે કટકે-કટકે આપ્યા હતા. બાકીના રૂા. 23.50 લાખ આંગડિયા મારફત ચૂકવ્યા હતા.