જે ફાસ્ટ બોલર બાઉન્સ અને સ્વિંગમાં કુશળ હોય તેવા બોલર સામે રન બનાવવા ખૂબ અઘરાં હોય છે. પરંતુ આ બધી કળામાં મહારત હોવા છતાં એક મહાન ફાસ્ટ બોલર સાથે ગેમ રમાઈ ગઈ. અમે વાત કરી રહ્યા છીએ નેધરલેન્ડના ફાસ્ટ બોલર લોગાન વેન બીકની કે જે હાલમાં કેમેન આઇલેન્ડમાં ચાલી રહેલી MAX60 લીગમાં રમી રહ્યો છે. લોગન વેન ગ્રાન્ડ કેમેન જગુઆર્સ તરફથી રમતાં તેણે 2 ઇનિંગ્સમાં 60 રન આપ્યા હતા. વેન બીકની ધોલાઈનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકશો કે, આ જમણા હાથના ફાસ્ટ બોલરે માત્ર એક ઓવરમાં 37 રન આપ્યા હતા. વેન બીકે કેરેબિયન ટાઇગર્સની ઇનિંગની છેલ્લી ઓવર નાંખી, જેમાં તેણે 3 સિક્સ ફટકારી 37 રન આપ્યા. વેન બીકે આ ઓવરના પહેલા ત્રણ બોલ પર એક છગ્ગો અને 2 ચોગ્ગા આપ્યા હતા. ત્યાર બાદ આ ખેલાડીએ એક વાઇડ બોલ અને એક નો બોલ આપ્યો હતો.લોગાન વેન બીક નેધરલેન્ડની ટીમનો બેસ્ટ ખેલાડી છે. આ ખેલાડીએ અત્યાર સુધી 33 વનડેમાં 46 અને 31 ટી20માં 36 વિકેટ લીધી છે. વેન બીકના પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો આ ખેલાડીએ 554 વિકેટ લીધી છે. વેન બીકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 206, લિસ્ટ Aમાં 181 અને T20માં 167 વિકેટ લીધી છે. જો કે, આટલો અનુભવ હોવા છતાં તેણે MAX60 લીગમાં 2 ઓવરમાં 60 રન આપ્યા હતા, જે અંગે સૌ કોઈ વિચારતા થઈ ગયા છે. આ મેચ વિશે વાત કરીએ તો, કેરેબિયન ટાઇગર્સે ગ્રાન્ડ કેમેન જગુઆર્સને 65 રનના માર્જીનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કેરેબિયન ટાઇગર્સે 10 ઓવરમાં 153 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ગ્રાન્ડ કેમેનની ટીમ માત્ર 88 રન જ બનાવી શકી હતી.