ગાંધીનગરના ભાટ ખાતેના એક બંગલોનાં રસોડામાં કોઈ કારણસર લાગેલી ભીષણ આગ બીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. અચાનક લાગેલી આગના કારણે ઉપરના માળે પોતાના રૂમમાંથી બહાર નહીં નીકળી શકવાના કારણે યુવાન આગમાં ભડથું થઇ ગયો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘરની બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચી આગ પર કાબૂ મેળવી બાલ્કનીની લોખંડનો ગર્ડર કાપીને યુવાનની ભડથું થયેલી લાશ બહાર કાઢવામાં આવી છે.
દુર્ઘટના સમયે યુવક પોતાના રૂમમાં હતો
ગાંધીનગરના ભાટ ખાતેના બંગલોમાં રસોડામાં લાગેલી આગમાં પ્રથમ માળ સુધી પહોંચી જતાં આશાસ્પદ યુવાન જીવતો ભૂંજાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અત્રેના બંગલોમાં વેદપ્રકાશ દલવાણી તેમના પત્ની બીનાબેન, પુત્રી આયુષિ અને પુત્ર આદિત્ય સાથે રહે છે. નિત્યક્રમ મુજબ આદિત્ય પોતાના રૂમમાં હતો.
પીઓપી-ફર્નિચરનાં કારણે આગ પ્રથમ માળ સુધી પહોંચી
જ્યારે પરિવારના અન્ય સભ્યો નીચે હતા. આજે રસોડામાં કોઈ કારણસર અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બંગલામાં પ્રસરી ગઈ હતી. બંગલામાં પીઓપી અને ફર્નિચરનાં કારણે આગ પ્રસરી જતાં પ્રથમ માળ સુધી પહોંચી ગઈ હતી. જેના પગલે પરિવારે આદિત્યને બૂમાબૂમ કરી હતી. પરંતુ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આદિત્ય બહાર નીકળી શક્યો ન હતો.
લોખંડનો ગર્ડર કાપીને ભડથું થયેલી લાશને બહાર કાઢી
અને જોતજોતામાં આદિત્ય આગની ઝપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂર સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. બાદમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે, આદિત્યના રૂમની બાલ્કનીનો દરવાજો બંધ હોવાથી લોખંડનો ગર્ડર કાપીને આદિત્યની ભડથું થયેલી લાશને બહાર કાઢવામાં આવી હતી.
પીઆઈએ જણાવ્યું આગ લાગવા પાછળનું કારણ
આ અંગે ફાયર ઓફિસર દસ્તૂરે કહ્યું કે, રસોડામાં આગ લાગવાના કારણે બંગલામાં આગ પ્રસરી ગઈ હતી. જેનાં કારણે પ્રથમ માળથી આદિત્ય નીચે ઊતરી શક્યો ન હતો. જેનું આગમાં સળગી જવાથી મોત થયું છે. બીજી તરફ અડાલજ પોલીસ મથકના પીઆઈ કે. બી. સાંખલાએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં રસોડામાં ગેસનું કામકાજ ચાલતું હતું. ગેસની સગડી ઠંડી કરવા પાણી નાખવામાં આવતાં આગ લાગી હોવાની પણ વાત સામે આવી રહી છે. હાલમાં વધુ તપાસ ચાલુ છે. આ મામલે એફએસએલની પણ મદદ લેવાશે.