15મી ઑગસ્ટે દેશના 78મા સ્વતંત્રતા દિવસ પર ઉત્તર પ્રદેશના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં સપાના વડા અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, ‘દેશની સરહદો અસુરક્ષિત છે. પાડોશી દેશો સાથેના સંબંધો બગડ્યા છે. દરરોજ આતંકી હુમલામાં જવાનોના જીવ જાય છે. આપણે વિચારવું પડશે કે સરહદો કેવી રીતે સુરક્ષિત કરવી. પાડોશી દેશમાં જે બન્યું છે તેના સંદર્ભમાં આપણા મુખ્યમંત્રી તેજ ગતિએ દોડી રહ્યા છે. દિલ્હીથી સમાચાર આવ્યા છે કે આપણે આ મામલે આગળ આવવું જોઈએ. હવે તેઓ (યોગી આદિત્યનાથ) મુખ્યમંત્રી તરીકે વિદેશ નીતિ પર ભાષણ આપી રહ્યા છે.’ સપાના વડા અખિલેશે યાદવે જણાવ્યું હતું કે, ‘ભાજપે પહેલા જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાલી પડેલી 24 બેઠકો ભરવી જોઈએ. પછી કોઈ અન્ય દેશ(પાકિસ્તાન)ના ભારતમાં વિલીનીકરણની વાત કરવી જોઈએ.’ નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, ‘પાકિસ્તાન કાં તો ભારતમાં ભળી જશે અથવા તો ઇતિહાસમાંથી હંમેશા માટે ભૂંસાઈ જશે. મહર્ષિ અરબિંદોએ 1947માં જ જાહેર કર્યું હતું કે પાકિસ્તાનની આધ્યાત્મિક દુનિયામાં કોઈ વાસ્તવિકતા નથી.’