નવસારી જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે.ગત 24 કલાકમાં ખેરગામમાં 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહેતા ખાસ કરીને ચીખલી, ખેરગામ તાલુકાના અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
ગણદેવીના અજરાઈ અને પોસરી ગામે બે મકાન તુટી પડયા હતા. દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદના લીધે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે વાપી-વલસાડ જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે 5મી ઓગસ્ટે સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઇટીઆઇમાં જાહેર રજા જાહેર કરી છે. તેમજ પારડી, વાપી, ગણદેવી,ચીખલી,બીલીમોરા અને ઉમરગામમાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વલસાડની ઔરંગા નદીમાં મોડી સાંજે ઘોડાપૂર આવતાં કૈદાસ રોડના પુલ પરથી પાણી ફરી વળ્યા હતા. આ સાથે છીપવાડ, તનુમાન ભાગડા પચિંગ અને કાશ્મીરા નગર સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાત્રિ દરમિયાન પાણી વધવાની શક્યતાને કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.હરિયાળી અમાસ એટલે દિવાસોના દિવસે વરસાદનું અચૂક આગમન થાય છે અને તે ભારે વરસે છે. ખેરગામ તાલુકામાં માન, તાન ભેગી થઈને ઔરંગા નદી બને છે. તેમાં શનિદેવ મંદિર ભૈરવી પાસેનો પાટ આજે સૌ પ્રથમ પાલીમાં ગરકાવ થયો હતો. જ્યારે ગરગડીયાનો પુલ રવિવારે બપોર પાછીથી પુરના પાણી વધતા ગરકાવ થયો હતો. વડસાડનાં નીચાળા વાળા વિસ્તારનાં લોકલે તેમજ વહીવટી તંત્ર માટે આજની રાત કપરી બનશે એવું જણાઈ રહ્યું છે. વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતા હિંગળાજ ગામ ખાતે ઝીંગા ફાર્મમાં સાત માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે NDRFદ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઘટનાને લઈ TDO અને મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.