જાન્યુઆરી 2021માં જ્યારે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી હતા. ત્યારે સરકારની બ્રિજ ગ્રાન્ટમાંથી રાજકોટમાં તત્કાલીન મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે વહીવટદાર તરીકે તાબડતોબ વહીવટ કરીને રણજીત બિલ્ડકોન પ્રા.લિ.ને 4 બ્રિજનું કામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કાલાવડ રોડ વિસ્તારમાં ચાર ઓવર બ્રિજના 172.65 કરોડ રૂપિયાના એસ્ટીમેટ સાથેના કામ શંકાજનક ઉતાવળ કરીને 79 કરોડ રૂપિયાના તોતિંગ ઓન (વધારાના) નાણાં મંજુર રાખીને કૂલ 251 કરોડ રૂપિયામાં લ્હાણી કરી હતી.ગંભીર બાબત એ છે કે રણજીત બિલ્ડકોનને મહાપાલિકાએ અગાઉ (1) તા.8-3-2019ના રૈયાધારમાં 29.73 કરોડ રૂપિયાના ખર્ચે ESR GSR વોટર વર્ક્સનું કામ અને (2) 29-2-2020ના જેટકો ચોકડીએ આવા જ ESRનું કામ 45.50 કરોડ રૂપિયાના ખર્ચે સોંપાયું હતું. આ બન્ને કામો તા.21-12-2021 સુધીમાં પૂરા કરવાની શરત હતી. પરંતુ રણજીત બિલ્ડકોને આ કામ અનુક્રમે તા. 27-7-2023 અને તા.7-3-2024ના એટલે કે આશરે 2 વર્ષથી વધુ સમય લઈને પૂર્ણ કર્યું હતું.
તિજોરીમાંથી રૂ. 79 કરોડ વધારે ખર્ચાયા અને બદલામાં મળી પરેશાની :
એ સમયે રાજકોટ મહાપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થઈ ગઈ હતી અને વહીવટદારનું શાસન નિમાયું હતું. વહીવટદારના શાસનમાં માત્ર તાકીદના ઈમરજન્સી રૂટીન કામો કરવાના હોય છે અને રાજકોટમાં આ બ્રિજ કોઈ ઈમરજન્સી ન હતી. એટલું જ નહીં, એજન્સીએ 79 કરોડ રૂપિયા જેવી ઓન માંગીહતી અને વાટાઘાટો કરીને, રિટેન્ડર કરીને પ્રજાના આ કરોડોનું આંધણ બચાવવાની જરૂર હતી. પરંતુ ભ્રષ્ટાચારની શંકા જન્મે તે રીતે કમિશનરે ઉતાવળ કરીને ચૂંટણી જાહેર થાય તે પહેલા આ કામો એક જ એજન્સી રણજીત બિલ્ડકોનને લ્હાણી કરી દીધી હતી. તેનું માઠુ પરિણામ એ આવ્યું કે આ બ્રિજના કામો નિયત સમયે પૂરા ન થયા અને તેના કારણે લોકોએ ટ્રાફિકમાં અસહ્ય હાલાકી વેઠવી પડી હતું.