ભુજ : તાલુકાના ખાવડા નજીક આવેલ રતડીયા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા મોટી રોહાતડ ગામે પાણીજન્ય રોગચાળાના કારણે દસ દિવસમાં જ ચાર બાળકોના મોત નીપજતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. હજુ સાત લોકો બિમાર પડયા છે. જે પૈકી બે બાળકો અને એક મહિલા સહિત વૃધ્ધ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દસ દિવસમાં ચાર ચાર બાળકોના મોતના પગલે ગામમાં ભયનું મોજુ ફેલાયું છે. ગામ પાસે આવેલા બાંડી ડેમમાંથી પીવા માટે પાણી વિતરણ કરાતું હોઈ અને પાણી ગંદુ હોવાથી બાળકો ઝાડા ઉલ્ટીનો ભોગ બન્યા હતા. મોટી રોહાતળ ગામે બીમારીનો ભોગ બનેલાઓ બાળકો પૈકી તારીખ ૨૦ના સાયભા કયુમકરીમ સમા (ઉ.વ.૬) , તા.૨૬ના જાસમીબાઈ રસીદ સમા ઉમર(ઉ.વ.૩), તા.૨૭ના મોડ સીધીક સમા (ઉ.વ.૩) તેમજ વસીમ અબ્દુલ કરીમ સમા (ઉ.વ.૩)નું મૃત્યું નીપજયા છે. જયારે હજુ ચાર બાળકો અને એક મહિલા તેમજ એક વૃધ્ધ ભુજમાં સારવાર હેઠળ છે. ગામના સરપંચ જે.એ.સમાએ જણાવ્યું હતું કે, ગામ પાસે આવેલા બાંડી ડેમમાંથી પીવાનું પાણી વિતરણ કરાય છે જે ગંદુ હોવાથી મોટી રોહાતળ ગામે એક જ પરિવારના સભ્યો ખાસ કરીને નાના બાળકો ભોગ બન્યા હતા. છેલ્લા દસ દિવસમાં એક બાળકી સહિત ત્રણ બાળકો મોતને ભેટયા છે. જયારે પરિવારના અન્ય બાળકો અને મહીલા તેમજ વૃધ્ધ સારવાર હેઠળ છે. આ અંગેની જાણ થતાં જ સ્થાનિકે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે માટે ટીમો ઉતારવામાં આવી છે. રતડીયા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આરોગ્ય કમિશ્નર ગુજરાત ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરી, આક્ષેપ કરાયો છે કે, સ્થાનિકે ખાવડા સીએચસીમાં રાત્રિના સમયે ડોકટર ગેરહાજર હોવાના કારણે સારવાર મળતી નથી. આજુબાજુના દર્દીઓને રાત્રિના ધક્કા પડે છે. દિનારા ખાતે સીએચસીમાં કાયમી ડોકટરોની નિમણુંક આપવામાં આવે તેમજ આસપાસના પીએચસી અને સીએચસીમાં પણ ડોકટરો હાજર હોતા નથી તેઓને હાજર રાખવામાં આવે.મોટી રોહાતડ ગામે કયા કેવા કારણોસર રોગચાળો ફેલાયો તે અંગે તપાસ કરવા માટે રાજયસ્તરેથી ટીમો મોકલવામાં આવે તેવી માંગ કરાઈ છે. ખાવડા સીએચસીમાં દવાનો પુરતો સ્ટોક રાખવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.
ખાવડા પાસેના મોટી રોહાતડ ગામે ઝાડા ઉલ્ટીના કારણે દસ દિવસમાં ચાર બાળકો મોતને ભેટયા
Date: