ઓડિશાના બૌદ્ધ જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના ચાર સભ્યોને સાંપ કરડ્યો છે. સાપ કરડવાથી 3 સગી બહેનોના મોત થઈ ગયા છે. બીજી તરફ પિતાની હાલત નાજુક છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ત્રણ બહેનોના નામ સુધિરેખા (13 વર્ષ), શુભરેખા મલિક (12 વર્ષ) અને સૌરભી મલિક (3 વર્ષ) છે. આ ઘટના રવિવારે રાત્રે બની છે. તીકરપાડા પંચાયત હેઠળ આવતા ચારિયાપાલી ગામમાં રહેતા સુલેન્દ્ર મલિક પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યો હતો. રાત્રે જ્યારે તેમની દીકરીઓની તબિયત લથડી તો આખો પરિવાર જાગી ગયો. દીકરીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સુલેન્દ્રએ જોયું કે, નજીકમાં એક સાપ ફરી રહ્યો છે. તેણે મદદ માટે પત્નીને બોલાવી. ત્યારબાદ તાત્કાલિક ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં ત્રણેય બહેનોને મૃત જાહેર કરવામાં આવી. બીજી તરફ સુલેન્દ્રને બૌદ્ધ જિલ્લા હોસ્પિટલથી VIMSAR મેડિકલ કોલેજ બુરલા રેફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુલેન્દ્રની હાલત પણ નાજુક છે.
ઓડિશામાં દર વર્ષે લગભગ 2500થી 6 હજાર લોકોને સાપ કરડે છે :
ડોક્ટર્સનું કહેવું છે કે, શક્ય છે કે, ક્રેટ સાપે ત્રણેય બહેનોને ડંખ માર્યો છે. ઓડિશામાં દર વર્ષે લગભગ 2500થી 6 હજાર લોકોને સાપ કરડે છે. તેમાંથી દર વર્ષે 400થી 900 લોકોના મોત થઈ જાય છે. 2023-24માં ઓછામાં ઓછા 1011 લોકોના સાપ કરડવાથી મોત થઈ ગયા છે. બીજી તરફ આ વર્ષે પણ અત્યાર સુધીમાં 240 લોકોના સાપ કરડવાથી મોત થઈ ચૂક્યા છે. ઓડિશા સરકાર સાપ કરડવાના કારણે મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયતા રકમ આપે છે. ક્રેટ સાપ ખૂબ જ ઝેરી હોય છે. તેના કરડવાથી થોડા જ કલાકોમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. કોમન ક્રેટ કોબરા કરતા પાંચ ગણો વધારે ઝેરી હોય છે. તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. હકીકતમાં આ સાપના કરડવાથી વધુ દુ:ખાવો નથી થતો. આવી સ્થિતિમાં ઘણા લોકોને પહેલા ખબર જ નથી પડતી. કહેવાય છે કે, જમીન પર સૂતા લોકોને આ સાપ વધુ કરડે છે. તે મોટા ભાગે રાત્રે નીકળે છે. બીજી તરફ શરીરની ગરમી મળતાં તે નજીક આવે છે પડખુ ફરતા જ ડંખ મારી દે છે.