ગાંધીનગર : ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મેટ્રો સેવાનો પ્રારંભ કરવાના છે ત્યારે સેક્ટર 1ના સ્ટેશનેથી ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ તેઓ મેટ્રો ટ્રેનમાં બેસી ગિફ્ટ સિટી ખાતે પહોંચવાના છે. હાલ તેમના આગમનને પગલે કોર્પોરેશન સહિત તમામ તંત્ર તૈયારીઓમાં લાગી ગયા છે.ગાંધીનગરના નાગરિકો છેલ્લા ઘણા વર્ષોથી જેની રાહ જોઈને બેઠા હતા તે મેટ્રો સેવા હવે આગામી દિવસમાં શરૂ થવાની છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં મેટ્રો સેવાનો પ્રારંભ કરવાના છે.જે અંગે મળતી વિગતો પ્રમાણે તેઓ 15 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર આવી જશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરી 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિર ખાતે યોજનારી ગ્લોબલ એનર્જી ઇવેન્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે 1 : 30 કલાકે ગાંધીનગરના ચ-માર્ગ ઉપર આવેલા સેક્ટર 1ના મેટ્રો સ્ટેશન ખાતે પહોંચશે. જ્યાં તેઓ સ્ટેશનનું નિરીક્ષણ કર્યા બાદ મેટ્રો રેલને લીલી ઝંડી દેખાડશે અને અહીં જ તેઓ ટ્રેનમાં બેસીને ગિફ્ટ સિટી સુધી પહોંચશે. જોકે આ રૂટ ઉપર તેમના સ્વર્ગસ્થ માતા હીરાબાનું પણ નિવાસસ્થાન આવેલું છે. જેથી તેમના ઘરની સામે બનાવેલા મેટ્રો સ્ટેશન ખાતે ટ્રેન ઉભી પણ રાખવામાં આવશે. અહીં તેઓ સ્થાનિકો સાથે ચર્ચા પણ કરશે ત્યારબાદ આ ટ્રેન ગિફ્ટ સિટી ખાતે પહોંચશે અને ત્યાંથી તેઓ કાર માર્ગે ગિફ્ટ સિટી પહોંચી જશે. હાલ તો વડાપ્રધાનની આ મુલાકાતને પગલે કોર્પોરેશન સહિતના તમામ તંત્રો કામે લાગી ગયા છે અને આ સમગ્ર રૂટ ઉપર માર્ગોના રીપેરીંગની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.ગાંધીનગરમાં આગામી 16 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાનો પ્રારંભ થવાનો છે ત્યારે વડાપ્રધાનના આગમનને પગલે તમામ મેટ્રો સ્ટેશન આસપાસ બ્યૂટીફિકેશન કરવામાં આવી રહ્યું છે અને તેના પગલે તંત્રો તૈયારીમાં લાગી ગયા છે. આ સ્ટેશનને રોશનીથી શણગારવાની સાથે ખાસ પ્રકારના ફૂલ છોડ પણ ઉગાડી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આસપાસના વિસ્તારમાં દબાણ હટાવ ઝૂંબેશ પણ શરૂ કરી દેવામાં આવી છે.