Geniben Thakor Vav Seat: કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે સાથે સાથે ગુજરાતમાં બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર પેટાચૂંટણીનું પણ એલાન કરવામાં આવ્યું છે. તા.13મી નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે જયારે તા.23મીએ પરિણામ જાહેર કરાશે. વાવ બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પર જીત મેળવ્યા બાદ કોંગ્રેસ ફુલફોર્મ છે પણ હવે આ પેટાચૂંટણી જીતવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે.
ગેનીબેન ઠાકોર સાંસદ બનતાં વાવ બેઠક ખાલી પડી, 3.10 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પર સાંસદ તરીકે ચૂંટાયા હતાં. આ કારણોસર આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક જીતવા કોંગ્રેસ અને ભાજપ બંનેએ કમર કસી છે. કોંગ્રેસે તો એકાદ મહિનાથી સંમેલન-બેઠકો યોજીને ચૂંટણી જીતવા તૈયારીઓ આદરી છે. હવે ચૂંટણી મેદાને કોણ બાજી મારશે તે તો પરિણામ વખતે જ ખબર પડશે. ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રિક કરતાં ચૂક્યુ છે. બનાસકાંઠાની બેઠક ભાજપે ગુમાવવી પડી હતી. હવે વાવ બેઠક જીતવી એ ભાજપ માટે પડકાર સમાન છે.
બીજી તરફ, કોંગ્રેસ માટે આ બેઠક જાળવી રાખવીએ પ્રતિષ્ઠાનો સવાલ છે. વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરી માટે પણ આ પેટાચૂંટણી લિટમસ ટેસ્ટ બની રહેવાની છે કેમકે, ગેનીબેન ઠાકોરની જીતે બનાસકાંઠાના ભાજપના દિગ્ગજ નેતાઓની રાજકીય કારકિર્દી સામે સવાલ ઉભા કરી દીધા છે. આ જોતાં ભાજપના મહામંત્રી રત્નાકરે ખાનગીમાં બેઠકો કરીને મોરચો સંભાળી લીધો છે.
આ તરફ, સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી છેકે, વાવ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના કાર્યકરો લોકોની વચ્ચે રહીને દરેક કામોમાં સહભાગી બની રહ્યાં છે. કોંગ્રેસ હાઇકમાન્ડ જેને ટિકીટ આપશે તેને એકજૂટ થઇને જીતાડીશું. વાવની જનતા કોંગ્રેસને આર્શિવાદ આપશે તે નક્કી છે.
વાવ વિધાનસભા બેઠકમાં 61,293 પુરૂષ, 1,49,387 અને 01 થર્ડ જેન્ડર એમ મળી કુલ 3,10,681 મતદારો પેટાચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર મત વિસ્તારમાં કુલ 321 મતદાન કેન્દ્રો છે. લોકસભાની ચૂંટણીને હજુ ત્રણેક મહિના થયા છે, ત્યારે વાવ મત વિસ્તારના મતદારોને ફરી એક વાર જનપ્રતિનિધી ચૂંટવાની તક મળી છે. પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ વાવ વિધાનસભા બેઠક માટે તા.18 થી તા.25 આક્ટોબર સુધીમાં ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે. 13મી નવેમ્બરે મતદાન થશે અને 23મીએ રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચના એલાનને પગલે વાવ મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગૂ કરાઇ છે.
ભાજપને હર્ષદ રિબડીયા નડ્યા, વિસાવદરની પેટાચૂંટણી લટકી પડી
વિસાવદરની બેઠક પર આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી મૂળ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઇકોર્ટમાં કરી હતી. જુદી જુદી ઇલેક્શન પીટીશન પૈકી એક અરજી પરત ખેંચાઇ છે. જયારે હજુ બે પિટીશન પેન્ડિંગ છે. હાઇકોર્ટમાં એવી રજૂઆત કરાઇ છેકે, ભૂપત ભાયાણીએ ચૂંટણી ફોર્મ ભર્યુ તેમાં ખોટી હકિકત છે. મિકલત સબંધી વિગતોમાં ખામી છે. આ કારણોસર કેન્દ્રીય ચૂંટણીપંચે વાવ બેઠક પર પેટાચૂંટણીનું એલાન કર્યુ છે પણ વિસાવદરની ચૂંટણી લટકી પડી છે. નવાઇની વાત એછેકે, ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા બંને હવે ભાજપમાં છે. પણ આંતરિક વિખવાદ ભાજપને જ નડી રહ્યો છે. વિસાવદરના મતદારોને હજુ રાહ જોવી પડે તેમ છે.
કોંગ્રેસ કોને ચૂંટણી મેદાને ઉતારશે તે મુદ્દે વાવ મત વિસ્તારમાં ઉત્સુકતા
એક બેઠક પર પેટાચૂંટણી હોવાથી ભાજપ ધારાસભ્ય, સાંસદોથી માંડીને નેતાઓની ફોજ ઉતારશે. વાવ બેઠક જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે. બીજી તરફ, કોંગ્રેસે પણ વાવ બેઠક પર મજબૂત-સક્ષમ ઉમેદવાર ઉતારવા તૈયારીઓ આદરી છે. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કે.પી. ગઢવી, ઠાકરશી રબારી , સ્વરુપજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ સહિતના દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.