Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મઉમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક સરકારી ડૉક્ટરે સાંસદ સાથે જ બબાલ કરી નાખી છે. ઘટના એમ છે કે, મઉ જિલ્લામાં ઘોસીના સાંસદ રાજીવ રાય જિલ્લા હોસ્પિટલમાંથી સતત મળી રહેલી ફરિયાદો પર ઓચિંતા નિરીક્ષણ માટે પહોંચી ગયા હતા. મુખ્ય તબીબી અધિક્ષક ડૉક્ટર ધનંજય કુમાર સિંહ પણ તેમની સાથે હતા. આ દરમિયાન રાજીવ રાયે જિલ્લા હોસ્પિટલ (પુરુષો)નું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. સાંસદે તમામ તબીબો સાથે પણ મુલાકાત કરી. તેમની સમસ્યાઓ જાણી. બીજી તરફ આ દરમિયાન બપોરે 12:50 કલાકે તેઓ ડૉ.સૌરભ ત્રિપાઠીની કેબિનમાં ગયા. તેમણે ત્રિપાઠીને ડ્યુટી પર આવવાનો સમય પૂછ્યો. ડૉક્ટરે જણાવ્યું કે સવારે 8:00 વાગ્યાથી મારી ડ્યૂટી છે.
તમારી નેતાગીરી બહાર જઈને કરો
‘ત્યારબાદ રાજીવ રાયે ડૉક્ટરને પૂછ્યું કે જો તમારી ડ્યૂટી 8:00 વાગ્યાની છે તો તમે 12:30 વાગ્યે કેવી રીતે આવ્યા? અત્યારે તમારી કેબિનની બહાર 100થી વધુ દર્દીઓની સંખ્યા છે. તમે અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની તપાસ કરી? પરંતુ ડૉક્ટર સીધો જવાબ આપવાના બદલે સાંસદ પર જ ભડકી ગયા અને કહ્યું કે તમે તમારી નેતાગીરી બહાર જઈને કરો.’
4 ડૉક્ટર ગેરહાજર મળ્યા
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સૌરભ ત્રિપાઠી પર લોકો સાથે ગેરવર્તનનો આરોપ લાગી ચૂક્યો છે. તેની સામે સરાયલખંશી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ સાંસદના ઓચિંતા નિરીક્ષણ દરમિયાન ચાર તબીબો ગેરહાજર જણાયા હતા. બીજી તરફ કેટલાક દલાલોની પણ ઓળખ થઈ છે જેઓ સારવારના નામે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે કથિત રીતે સેટિંગ કરાવતા હતા. સીએમએસ (Chief Medical Superintendent)એ આ મામલે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ લોકોએ ડૉક્ટર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સાંસદે કહ્યું કે ઘટનાસ્થળેથી ઘણા ડોક્ટરો ગાયબ જણાયા છે. હોસ્પિટલમાં અનેક દલાલો સક્રિય મળ્યા છે. મેં મારા જીવનમાં આવો ડૉક્ટર ક્યારેય નથી જોયો. આવા ડૉક્ટરો સામે કાર્યવાહી જરૂરી છે. નહીંતર આ સાયકો લાગી રહેલ ડૉક્ટર લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ સાયકો ડૉક્ટરે પોતાના હેલ્મેટથી પત્રકારોને પણ માર મારે છે.