નવા વર્ષ નિમિત્તે આજે રાજસ્થાનની રોમાંચક સફર કરીશું. આજે એવી જગ્યા જોઈશું, જ્યાં એક એવી નદી છે, જેમાં સોના-ચાંદી સહિત અનેક કીમતી ધાતુ છે. સવારે અને સાંજના સમયે સૂર્યનો પ્રકાશ પડતાં જ સમગ્ર વિસ્તારમાં અલગ પ્રકારનું દૃશ્ય સર્જાય છે.
જુંજુનુ જિલ્લાના ખેતડી વિસ્તારમાં પહાડો વચ્ચે 56 વર્ષ જૂની નદી એટલી ઊંડી છે કે અનેક પહાડો વચ્ચેથી એ પસાર થાય છે. છેલ્લાં 56 વર્ષમાં અહીં એટલી બધી કીમતી ધાતુ ખોદીને કાઢવામાં આવી છે કે હવે અહીં માટી પણ સોનાની કિંમતે વેચાઈ રહી છે. આશરે 8 કિલોમીટરમાં ફેલાયેલી આ માટીની કિંમત 250 કરોડ સુધી પહોંચી ચૂકી છે. એક વિદેશી એજન્સીના સરવેમાં પણ સોનાની પુષ્ટિ થઈ ચૂકી છે.નદી બનવાની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. કોપર માઈન્સથી નીકળતા તાંબાના વેસ્ટને અહીં પાઈપ મારફત છોડી દેવામાં આવે છે. એને લીધે અહીં સોના-ચાંદીના અનેક મિનરલ સંગ્રહિત થઈ ગયા અને એક સંપૂર્ણ નદી બની ગઈ. જોવામાં ભલે એ કચરો લાગે, પણ એની કિંમત કરોડોમાં છે.
ચોતરફ ગંદું પાણી દેખાય છે. નદીની કાદવવાળી સપાટી પર ચાલતી વખતે પગ ઘૂસી જતા હતા. ટીમના સાથી એકબીજાના હાથ પકડી એક કિલોમીટર અંદર સુધી ગયેલા. અહીં સવારથી મોડી સાંજ સુધી રોકાઈ સૂર્યોદય તથા સૂર્યાસ્તના ફોટો ક્લિક કર્યા અને વીડિયો બનાવ્યા.
10 કિમી લાંબી પાઈપથી વેસ્ટ આવે છે
ખેતડીની કોપર માઈન્સની શોધ જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (GSI) અને ઈન્ડિયા બ્યૂરો ઓફ માઈન્સ (IBM)ના જિયોલોજિસ્ટ દ્વારા કરવામાં આવી હતી. HCL કંપનીએ આ વિસ્તારમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ભૂતપૂર્વ ઈન્દિરા ગાંધીએ ફેબ્રુઆરી 1975માં આ ખાણ દેશને સમર્પિત કરી હતી.