સુખનો પાસવર્ડ: પ્રેમ જોઇએ કે નફરત… પસંદગી તમારી પોતાની છે, સ્મિત હોય કે આંસુ વ્યાજ સહિત તમારી પાસે જ પરત આવશે

0
20

એક નાનું એવું ગામ હતું. આ ગામમાં એક દિવસ કોઇ બેંકની મોટરકાર આવી. અંતરિયાળ ગામ હોવાથી ગામમાં ભાગ્યે જ મોટરકાર જોવા મળતી. તેથી ઘણા લોકો ગાડી આવતાં જ ભેગા થવા લાગ્યા. બેંકની મોટરકાર આવેલી હોવાથી શા માટે આવી હશે એ જાણવાની બધાને ઉત્સુકતા હતી. મોટરકારમાંથી 4 અધિકારીઓ નીચે ઊતર્યા અને ગામના લોકોને મગનભાઇ અને છગનભાઇનું સરનામું પૂછ્યું. ગામના લોકોએ બંનેનાં ઘર બતાવ્યાં એટલે બે અધિકારીઓ છગનભાઇને ત્યાં ગયા અને બે અધિકારીઓ મગનભાઇને ત્યાં ગયા. લોકો વિચારવા લાગ્યા કે બેંકવાળા મગનભાઇ અને છગનભાઇને શોધવા કેમ આપણા ગામ સુધી આવ્યા હશે?

મગનભાઇને ત્યાં ગયેલા અધિકારીઓએ મગનભાઇને કહ્યું, ‘ભાઇ, તમે અમારી બેંકમાં થોડાં વર્ષો પહેલાં થોડી રકમ ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકી હતી. તમે અમારી બેંકમાં મૂકેલી રકમ વ્યાજ સહિત બમણી થઇ ગઇ છે. તમારી રકમ બમણી થઇ ગઇ છે, પણ તમને પોતાને જ યાદ નથી રહ્યું કારણ કે, એ રકમ કદાચ તમારા માટે નાની હશે. અમારી બેંક હવે ગ્રાહકોને હોમ સર્વિસ પૂરી પાડે છે અને જે ગ્રાહકો બેંક સુધી ન આવી શકે એવા ગ્રાહકોના ઘર સુધી બેંક એમની સેવા પહોંચાડે છે. અમે આજે તમારી બમણી થયેલી રકમ પરત કરવા માટે આવ્યા છીએ. આ ડોક્યુમેન્ટ પર સહી કરો અને આપની રકમ સ્વીકારો.’ મગનભાઇ અને એના પરિવારના લોકોના ચહેરા ખુશીથી ખીલી ઊઠ્યા. બેંકના અધિકારીઓ એમને ભગવાન જેવા લાગતા હતા કારણ કે, તેઓ સામેથી પૈસા પરત કરવા આવ્યા હતા.

છગનભાઇને ત્યાં ગયેલા અધિકારીઓએ છગનભાઇને કહ્યું, ‘ભાઇ, તમે અમારી બેંકમાંથી લોન લીધી હતી. લોન લીધા બાદ તમે લોનના હપ્તા નિયમિત ભરતા નથી એટલે બેંકે તમારું આ મકાન જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. અમે બેંક તરફથી તમને નોટિસ આપવા આવ્યા છીએ. તમે મહેરબાની કરીને 7 દિવસમાં બાકી હપ્તા સહિતની તમામ લોન વ્યાજ સાથે ભરપાઇ કરી દેજો, નહીંતર તમારા મકાનને જપ્ત કરી લેવામાં આવશે.’ છગનભાઇ તથા તેના પરિવારના બધા સભ્યો ફાટી આંખે આ અધિકારીઓને જોઇ રહ્યા. બેંકના આ અધિકારીઓ એમને દુશ્મન જેવા લાગતા હતા પણ અધિકારીઓ તો માત્ર એમની ફરજ બજાવવાનું જ કામ કરતા હતા. નોટિસ આપીને અધિકારીઓ છગનભાઇના ઘરેથી નીકળી ગયા.

ચારેય અધિકારીઓ એમનું કામ પૂરું કરીને ગાડી લઇને ગામમાંથી જતા રહ્યા. જતાં જતાં આ અધિકારીઓ છગનભાઇના પરિવારને શૉક આપતા ગયા અને મગનભાઇના પરિવારને ખુશી આપતા ગયા. બેંકના અધિકારીઓ છગનભાઇના દુશ્મન નહોતા અને મગનભાઇના સગા નહોતા. આમ છતાં છગનભાઇને વ્યાજ સહિત રકમ ભરવા માટે સૂચના આપીને છગનભાઇને અને એના પરિવારને દુઃખી કર્યા અને મગનભાઇને વ્યાજ સહિત રકમ પરત કરી મગનભાઇ અને એમના પરિવારને આનંદ આપ્યો.આપણી સાથે પણ આવું જ થાય છે. આપણે કોઇને સ્મિત આપીએ તો એ પણ વ્યાજ સહિત પરત આવે છે અને આંસુ આપ્યાં હોય તો એ પણ વ્યાજ સાથે પાછા આવે છે. જીવનમાં આવતું સુખ કે દુઃખ આપણે ડિપોઝિટ કરી છે કે લોન લીધી છે તેના પર આધાર રાખે છે.તા. 30મી જુલાઈ, 2015નો દિવસ આ બોધકથાને જીવંત કરનારો દિવસ હતો. આ દિવસે એકસાથે બે મુસલમાનોની અંતિમવિધિ હતી, એકની મુંબઇ અને બીજાની રામેશ્વરમમાં. બંને વ્યક્તિઓ પોતપોતાનાં કાર્યને લીધે દેશ અને દુનિયાના મીડિયામાં છવાઇ ગઈ હતી. એકનું નામ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ અને બીજાનું નામ યાકુબ મેમણ. ડૉ. કલામ વૈજ્ઞાનિક હતા, તો યાકુબ પણ કંઇ અભણ નહોતો, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો અને જ્યારે ગણ્યાગાંઠ્યા લોકો જ CA થતા તે સમયનો એ CA હતો. માત્ર શિક્ષણ મેળવવાથી શું થાય? ગમે એટલી મોટી પદવીઓ મેળવ્યા પછી પણ જો શિક્ષણની સાથે સંસ્કાર ન ભળ્યા હોય તો એવું શિક્ષણ દેશ માટે ખતરો બની જાય છે.