રાજ્ય સરકારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાહવાહી લેવા માટે લાગુ કરેલ સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ચાર ઝોનની ફી રેગ્યુલેશન કમિટીની જોગવાઈ છે અને જેમાં ચારેય ઝોનની ફી કમિટીમાં જજ-ચેરમેન અને સભ્યોની જગ્યા ખાલી હતી. ત્યારે સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયાના દોઢ મહિને અંતે સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ચારેય ઝોનની ફી રેગ્યુલેશન કમિટીમાં ચેરમેન-સભ્યોની નિમણૂંક કરી છે. હાલ તો સરકારે ચારેય ઝોનની નવી કમિટીઓ રચી દીધી છે પરંતુ ચારેય ઝોનની કમિટીઓ ઉપર અપીલ માટેની રીવિઝન કમિટીમાં જજ-ચેરમેન અને સભ્યોની જગ્યા હજુ પણ ખાલી છે. અમદાવાદમાં 150થી વઘુ સ્કૂલોની નવી ફીના ઓર્ડર હજુ બાકી
સરકારે મોડે મોડે ફી કમિટીઓ રચી છે પરંતુ સૌથી મોટા અમદાવાદ ઝોનમાં જ 150થી વઘુ સ્કૂલોની નવી ફીના ઓર્ડર હજુ બાકી છે. જે જાહેર થવામાં એક મહિનો લાગે તેમ છે ત્યારે ઘણી સ્કૂલોએ ફી વધારા સાથે ફી ઉઘરાવી પણ લીધી છે અને જેથી અંતે તો વાલીઓને જ નુકસાન થયુ છે. જો સરકાર દ્વારા સમયસર ફી કમિટીઓની રચના કરી દીધી હોત અને સરકારનું મોનિટરિંગ ફી રેગ્યુલેશન એક્ટના અમલ પર રહ્યુ હોત તો ખરેખર આ ફી રેગ્યુલેશન એક્ટ સાર્થક નીવડી શક્યો હોત.
ખાનગી સ્કૂલો માટેના સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત ચાર ઝોન છે. એક્ટની જોગવાઈ મુજબ દરેક ઝોનમાં ચેરમેન તરીકે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ છે. આ ઉપરાંત અન્ય ચાર મેમ્બરો છે. જેમાં એક સીએ, એક સિવિલ એન્જિનિયર કે વેલ્યુઅર અને એક મેમ્બર સ્કૂલ સંચાલક મંડળના પ્રતિનિધિ હોય છે. આમ ચેરમેન સહિત કુલ પાંચ સભ્યોની કમિટી હોય છે. દર ત્રણ વર્ષ માટે વિવિધ કમિટીમાં ચેરમેન સહિત અન્ય સભ્યોની નિમણૂક સરકાર દ્વારા કરવામા આવે છે. આ એક્ટ હેઠળ રાજ્યમાં આવેલી ગુજરાત બોર્ડ, સીબીએસઈ તેમજ અન્ય તમામ બોર્ડની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામા આવે છે. એક્ટની જોગવાઈ મુજબ ફી મર્યાદાથી ઓછી ફી ધરાવતી સ્કૂલોએ એફિડેવિટ કરવાની હોય છે અને ફી મર્યાદાથી વઘુ ફી માંગનારી સ્કૂલોએ નાણાકીય હિસાબો-ખર્ચા અને અન્ય દસ્તાવેજો સાથે દરખાસ્ત કરવાની હોય છે.રાજ્યમાં સૌથી મોટો ઝોન અમદાવાદ છે પરંતુ અમદાવાદ ઝોનની કમિટીમાં જુનમાં જજ-ચેરમેનની મુદત પુરી થયા બાદ જગ્યા ખાલી હતી અને અન્ય ચાર મેમ્બરમાંથી માત્ર એક સીએ મેમ્બર જ હતા તેઓને પણ ભ્રષ્ટાચારની ફરિયાદોને પગલે સરકારે થોડા સમય પહેલા દૂર કરી દીધા હતા. ફી રેગ્યુલેશન એક્ટ અને કમિટીઓ છતાં પણ એફઆરસીના ઓર્ડર વિરૂદ્ધ જઈને ઘણી ખાનગી મોટી સ્કૂલો વઘુ ફી લેતી હોવાની અનેક ફરિયાદો અગાઉ ડીઈઓમાં થઈ ચુકી છે.