હવે દેશનો કોઈ ખેલાડી દારૂ કે ધૂમ્રપાનની જાહેરાત કરતો જોવા મળશે નહીં. કેન્દ્ર સરકારના ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ ડો. અતુલ ગોયલે બીસીસીઆઈ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પત્ર લખી ખેલાડીઓ પાસેથી તત્ત્કાળ શપથ પત્ર લેવા નિર્દેશ કર્યો છે. પત્રમાં ડો. ગોયલે લખ્યું છે કે, ખેલાડીઓ ખાસ કરીને ક્રિકેટર દેશના યુવાનો માટે રોલ મોડલ છે. તેઓએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરિત કરી શકે છે. જો કે, દુર્ભાગ્યવશ આપણા રમત જગતના દિગ્ગજો સિગારેટ, બીડી કે પાન મસાલાની જાહેરાતો કરતાં જોવા મળે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ રોજર બિન્ની સમક્ષ ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થએ દેશની વસ્તીને તંદુરસ્ત રાખવાના સંકલ્પમાં સરકારનો સહયોગ આપવા માગ કરી છે. તેમણે અપીલ કરી છે કે, આઈપીએલ તથા અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન આ પ્રકારની જાહેરાતોનું પ્રસારણ થવુ જોઈએ નહીં. વધુમાં ખેલાડીઓને આ જાહેરાતોથી દૂર રાખવા માટે શપથ લેવડાવવી જોઈએ. ડો. ગોયલે સલાહ આપી છે કે, બીસીસીઆઈ ખેલાડી પાસે એક શપથ પત્ર લખાવવો જોઈએ. જેમાં આ જાહેરાતોથી પોતે દૂર રહેશે તેવુ વચન આપે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ સંદીપ પ્રધાનને પણ આ પ્રકારનું પગલું લેવા અપીલ કરાઈ છે.