અમદાવાદ : ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડની તૈયારી થઈ રહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ પ્રયાણ કરી રહી છે. જેના કારણે આગામી બે કે ત્રણ દિવસ બાદ ફરીથી ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જે લગભગ એક અઠવાડિયા સુધી રહેશે. જેની અસર નવરાત્રીમાં ચણિયાચોળી સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હસ્તકલા કારીગરોને થઈ રહી છે.સતત વરસી રહેલાં વરસાદની અસર નવરાત્રીમાં કમાણીની આશાએ બેઠેલા લૉ-ગાર્ડનના વેપારીઓ તેમજ લોક મેળાઓ પર થઈ રહી છે. સાતમ-આઠમ સાવ કોરી જતાં ગુજરાતના લાખો હસ્તકલા કારીગરો જેમાં 21 હજાર વણાટકારો, 25 હજાર જેટલા બાંધણી કારીગરો, 10 હજાર જેટલાં અજરખ પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા કારીગરો, 20 હજાર જેટલાં હાથ ભરતના કારીગરો, અમદાવાદ અને સુરતમાં મશિન એમ્બ્રોઇડરી કરતાં ત્રણેક લાખ જેટલાં વર્કર્સ અને ચણિયાચોળીના સિલાઈ કામ સાથે સંકળાયેલા ત્રણ લાખ કારીગરોના ઘમાં સીધી અસર થશે. ગુજરાતમાં કેટલાં લાખ ચણિયાચોળી બને છે, તે કહેવું મુશ્કેલી છે કારણ કે અનેક એનજીઓ પોતાના ઉત્પાદન સાથે સંકળાયેલી હોવાથી ચણિયાચોળીનું અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર હસ્તકલાના ભાગ તરીકે વર્તે છે.
વરસાદે બગાડી નવરાત્રી :
આ અંગે ટેક્સટાઇલ આર્ટિસ્ટ પ્રવિણા મહિચાએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકમેળાઓ બંધ રહ્યા હતા. આપણાં લોકમેળાઓ ખરીદીનો મોટો આધાર છે. લોકો બહુ મોટી સંખ્યામાં આવીને કારીગરો પાસેથી ખરીદી કરતા જોવા મળે છે. ખરેખર તો નવરાત્રી જેટલો જ હાલનો સમય પણ કારીગરો માટે મહત્વનો છે, કારણ કે કારીગરો આખું વર્ષ તૈયારી કરીને આ દિવસોમાં પોતાના વેચાણની તક શોધતા હોય છે. હાલમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના મેગાસિટીઓ ઉપરાંત વિદેશમાં પણ ચણિયાચોળીની નિકાસ થાય છે. જોકે, સાતેક લાખ કારીગરોને વરસાદના કારણે સીધી અસર થઈ હોવાનું મનાય છે. આ સાથે જ વેપારીઓ સિવાય ગામડાના કુટિર ઉદ્યોગ સાથે જોડાયેલા ત્રણેક લાખ કારીગરોને પણ તેની અસર થશે. ગુજરાતમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્ર નગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને બનાસકાંઠામાં ચણિયાચોળીનું મેન્યુફેક્ચિંગ મહત્તમ અંશે થાય છે. આ ઉપરાંત સુરત અને અમદાવાદમાં પણ તેના સિલાઈ કામના અનેક યુનિટ છે. નવરાત્રીના આઠ મહિના પહેલાં જ આ યુનિટો ધમધમતા હોય છે.આ અંગે લૉ-ગાર્ડન માર્કેટના વેપારીએ જણાવ્યું કે, ‘છેલ્લા દસ વર્ષમાં અમે જોયું કે, નવરાત્રી આવતાં માલની અછત ચાલું થઈ જાય છે, પરંતુ આ વખતે નવરાત્રી આટલી નજીક હોવા છતાં દર વખતની જેવી ખરીદી જોવા નથી મળી. જે અમારા માટે ચિંતાનો વિષય છે.’