પવિત્ર શ્રાવણ માસની આજથી (5 ઓગસ્ટ) શરૂઆત થઈ છે. ત્યારે હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્મ્ય છે. હિન્દુઓ માટે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં લોકો વહેલી સવારથી શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા-આર્ચના કરી તેમને રીઝવવાના પ્રયાસો કરે છે. ત્યારે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સમાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલ રૂપિયા 300થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તેથી ભક્તોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલોમાં કાપ મૂકવો પડે તેવી પણ શક્યતા છે.
ગુલાબના ફૂલ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં શ્રાવણ મહિના પૂર્વે જ ફૂલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 40થી 50 કે 100 રૂપિયા કિલો મળતા ગુલાબના ફૂલ હાલ 300થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત ગલગોટા જે 30થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેમજ કેસરી ગલગોટાનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ 150થી 200 રૂપિયા પહોંચ્યો છે.
લીલીના ફૂલ 500 રૂપિયા કિલો
તો બીજી તરફ સુશોભનમાં અને પૂજાના હારમાં વપરાતા ફૂલ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તે હાલ 250થી 300 રૂપિયા કિલો મળી રહ્યા છે. ત્યારે લીલીના ફૂલ 500 રૂપિયા કિલો મળી રહ્યા છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને શિવજીને કમળના ફૂલ ચડાવવાનું મહત્વ રહેલું છે ત્યારે આ વખતે કમળના ફૂલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 10 રૂપિયામાં બે કે ત્રણ કમળના ફૂલ મળતા હતા તે હાલ 10થી 15 રૂપિયામાં એક ફૂલ મળી રહ્યું છે.શિવજીને ચઢતા બીલીપત્રના ભાવમાં પણ વધારો સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં ફૂલના ભાવ વધી જતા હોય છે. આ સાથે જ શ્રાવણ માસમાં શિવ પૂજામાં વપરાતા બીલીપત્ર પણ મોંઘા થયા છે. અનેક લોકો સંકલ્પ લેતા હોય છે કે, શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથનો બીલીપત્રથી અભિષેક કરશે. તેવામાં આ વર્ષે સંકલ્પ વિચારીને લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, ફૂલ અથવા બીલીપત્રના ભાવ વધતા ભક્તોની ભક્તિમાં કામ મુકાશે નહીં પરંતુ મોંઘવારીની સાથે સાથે ભક્તોની ભક્તિ વધ વધી રહી છે. તેવામાં બીલીપત્રનો ભાવ હાલ 50 રૂપિયાની એક ઝુડી મળી રહી છે. અમદાવાદના હોલસેલ ફૂલ બજારમાં ફૂલ ખરીદવા આવેલા એક ગ્રાહક જિજ્ઞેશ પંચાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હાલમાં સમાન્ય દિવસોની સરખામણીમાં ફૂલના ભાવ ખૂબ જ વધી ગયા છે. સમાન્ય ગુલાબ જેવા ફૂલ પણ ખૂબ જ ઊંચી કિંમતે એટલે કે, 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. તેવામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા માટે ફૂલ તો લેવાના જ છે પરંતુ આ વર્ષે કંઈક વધુ પડતા જ ફૂલો મોંઘા થયા છે. તેમ છતાં પૂજામાં જરૂરિયાત મુજબના ફૂલનો ઉપયોગ તો કરીશું જ અને ભગવાન શિવની પૂજા અર્ચનામાં કોઈ કાપ મુકાશે નહીં.
આ ભાવ દિવાળી સુધી ઘટે તેવી શક્યતા નથી
અમદાવાદના હોલસેલ બજાર અને તેમાં પણ ફૂલ બજારના વેપારી નાસીર ભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનો શરૂ થતાં જ ફૂલોના ભાવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા વધ્યા છે. અને આ ભાવ દિવાળી સુધી ઘટે તેવી શક્યતા રહેતી નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની સિઝનમાં ફૂલના ભાવ વધ્યા છે અને તેમાં પણ શ્રાવણ મહિનામાં ફૂલની માગ પણ વધી જતી હોય છે. એક તરફ વરસાદને કારણે ફૂલની આવક થોડી ઘટી જતી હોય છે, પરંતુ તેની સામે માગ વધી જાય છે. જેના કારણે ફૂલ મોંઘા થઈ જાય છે. દિવાળી સુધી સતત તહેવારો ચાલતા હોય છે તેથી ફૂલની માગ અને ઉપયોગ વધતા તેના ભાવમાં પણ વધારો થાય છે.