ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ , અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ચાલતા ભિક્ષા નહી શિક્ષા અંતર્ગત સિગ્નલ સ્કૂલના ૧૪૪ બાળકો અને તેમના ૨૮૮ વાલીઓનો હેલ્થ ચેકઅપ અને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટેનો કાર્યક્રમ તા.૧૫-૦૭-૨૦૨૪ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, બોડકદેવ ખાતે યોજાયો.
સિગ્નલ સ્કૂલના બાળકો અને વાલીઓને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સૂચારૂ આયોજન કરીને જુદા જુદા રોગોના નિષ્ણાંત ડૉકટરોની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરી હેલ્થકાર્ડ આપવામાં આવ્યું. બાળકો અને વાલીઓની શારીરિક ચકાસણી કરી તેમનું નિદાન કરવામાં આવ્યું. જરૂરી ઉપચાર અને પ્રાથમિક સારવાર આપવામાં આવી. હેલ્થ ચેકઅપ દરમ્યાન કેટલાંક બાળકોની આંખ, હોઠ અને કાનની પ્રાથમિક બિમારી જણાતા અમદાવાદની જુદી જુદી હોસ્પિટલોમાં તેમને રીફર કરવામાં આવશે અને જરૂરી સારવાર આપવામાં આવશે. ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત સિગ્નલ સ્કૂલના વાલીઓએ તેમના પ્રતિભાવો આપતા જણાવ્યું કે તેમના જીવનમાં સૌ પ્રથમ વખત તમામ રોગોની ચકાસણી કરી તેનું નિદાન અને ઉપચાર કરવા આવ્યું છે તે માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો તેઓ આભાર માને છે.
આ ઉપરાંત સિગ્નલ સ્કૂલના બાળકોના વાલીઓને PM Jay યોજના, આધારકાર્ડ, રેશનકાર્ડ અને ADC બેન્કના સહયોગથી બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવશે. માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જિતેન્દ્રભાઈ પટેલ, ડે. મેયર શ્રી જતિનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીએ બાળકો સાથે સીધો વાર્તાલાપ કર્યો અને આ બાળકોને શિક્ષણની સાથે આરોગ્યની સુવિધાઓ પણ મળે તે અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું.
આ પ્રસંગે સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી ડો સુજયભાઈ મહેતા, હેલ્થ કમિટીના ચેરમેન શ્રી જસુભાઈ ઠાકોર, સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, ડે. મ્યુ. કમિશનર શ્રી સી.એમ. ત્રિવેદી, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈ , સ્કુલ બોર્ડ સભ્યો, સ્કૂલ બોર્ડ તેમજ અ.મ્યુ.કો.ના હેલ્થ વિભાગના અધિકારી, મ્યુનિ. શાળાના શિક્ષકો, સિગ્નલ સ્કૂલના બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘાટલોડિયા વિધાનસભાની તમામ શાળાના શિક્ષકો અને ૧૦,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ માન.મુખ્યમંત્રીશ્રીના ૬૨માં જન્મદિવસની શુભેચ્છાઓ શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં પાઠવી હતી અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી તેમજ માન.વડાપ્રધાનશ્રીના મન કી બાત કાર્યક્રમમાં કરવામાં આવેલ આહવાન અને માન.મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી મિશન થ્રી મિલીયન ટ્રીના ભાગરૂપે “એક વૃક્ષ માને નામ” નિમિત્તે વૃક્ષારોપણ કરીને માન.મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.