BJP-Congress workers stoning: સોમવારે સદનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા સુમારે પાલડી સ્થિત કાર્યલાય ખાતે તોડફોડ કરવામાં આવી હતી. જેને લઇને ફરી એકવાર આજે સાંજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારા દરમિયાન પોલીસ મૂકપ્રેક્ષક બની ચૂપચાપ બેસી રહી હતી. આ પથ્થરમારામાં એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી હતી. ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર અનેક કાર્યકારોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે થઇ શરૂઆત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (પહેલી જુલાઈ) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. ત્યારે મંગળવારે (બીજી જુલાઈ) અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં 20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. આ સાથે ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી.
ગુજરાત કોંગ્રેસે ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ ભાગલા પડવાની નીતિને ખુલ્લી પાડી છે અને સાચો હિંદુ કોઈને ડરાવતા કે ધમકાવતા નથી. પરંતુ ભાજપના લોકો હિંસા ફેલાવે છે, સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધીના લોકસભાના ભાષણનો અમુક જ ભાગ બતાવી રહ્યા છે અને ડરી જઈને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે.’
જાણો શું છે મામલો
સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. આ દરિયાન રાહુલ ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર ચાબખા મારવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઇને કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું જેથી હંગામો મચી ગયો. તેમણે કહ્યું કે, ‘મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિંદુસ્તાને ક્યારેય કોઇના પર હુમલો કર્યો નથી. તેનું કારણ છે, હિંદુસ્તાન અહિંસાનો દેશ છે, આ ડરતો નથી. આપણા મહાપુરૂષોએ સંદેશ આપ્યો છે- ડરો મત, ડરાવો મત. શિવજી કહે છે- ડરો મત, ડરાવો મત અને ત્રિશૂલને જમીનમાં દાટી દે છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિંદુ છો જ નહી. તમે હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઇએ.’
ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો
રાહુલ ગાંધીના આ નિવેદન આપતા જ ભાજપે તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શનો થયા. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી સમગ્ર હિંદુ સમાજને હિંસક બનાવી રહ્યા છે તે ગંભીર બાબત છે.’ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘X’ પર લખ્યું, ‘રાહુલ ગાંધીએ કરોડો હિંદુઓનું અપમાન કર્યું છે કે હિંદુઓ હિંસા કરે છે, જુઠ્ઠું બોલે છે અને નફરત ફેલાવે છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ.’