પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બજેટ અને બાંગ્લાદેશ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. બાંગ્લાદેશ મુદ્દે વિદેશ મંત્રાલયની ટિપ્પણી પર મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને કહ્યું કે, મને ના શીખવાડો. હું સાત વાર સાંસદ રહી છું: મમતા બેનર્જી મમતા બેનર્જીએ કહ્યું કે, સંઘીય માળખાને હું સારી રીતે જાણું છું. હું સાત વાર સાંસદ અને બે વખત કેન્દ્રીય મંત્રી રહી છું. હું વિદેશ મંત્રાલયની નીતિને અન્ય કરતાં વધુ સારી રીતે જાણું છું. તેમણે મને ન શીખવવું જોઈએ પરંતુ તેમણે સિસ્ટમથી શીખવું જોઈએ.બાંગ્લાદેશમાં હિંસક અથડામણ બાદ મમતા બેનર્જીએ સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ હેઠળ બાંગ્લાદેશી શરણાર્થીઓને આશ્રય આપવાની પોતાની પ્રતિબદ્ધતાની વાત કહી હતી. તેમણે તૃણમૂલ કોંગ્રેસની ‘શહીદ દિવસ’ રેલીમાં કહ્યું હતું કે, જો અસહાય લોકો બંગાળના દરવાજા ખખડાવશે તો હું ચોક્કસ તેમને આશ્રય આપીશ.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે મમતા બેનર્જીની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમની ટિપ્પણી ભ્રમ પેદા કરી શકે છે અને લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, તેને મમતા બેનર્જીની ટિપ્પણી પર બાંગ્લાદેશ તરફથી લેખિત વાંધો મળ્યો છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વિદેશી સંબંધો સાથે સંબંધિત મામલે કેન્દ્ર સરકારનો વિશેષાધિકાર છે. આપણા બંધારણની સાતમી અનુસૂચિની આઈટમ 10 હેઠળ વિદેશી મામલાનું સંચાલન અને તમામ બાબતો જે દેશને કોઈપણ વિદેશી દેશ સાથે સંબંધોમાં લાવે છે તેના પર કેન્દ્ર સરકારનો વિશેષાધિકાર છે.બીજી તરફ બજેટ પર મમતા બેનર્જીએ કહ્યું કે, આ બજેટ સંપૂર્ણપણે રાજકીય રીતે પક્ષપાતી છે અને તેમા બિન-એનડીએ શાસિત રાજ્યોની અવગણના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ભાજપે સરકાર તો બનાવી લીધી છે પરંતુ તેની પાસે જનાદેશ નથી. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં સામેલ થવા પર મમતાએ કહ્યું કે, મેં વિચાર્યું કે એક સામાન્ય મંચ પર પોતાનો અવાજ ઉઠાવવો એ મારું કર્તવ્ય છે, જો કે હું જાણું છું કે નીતિ આયોગ પાસે કોઈ નાણાકીય તાકાત નથી.