ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકવાર ફરી હત્યાની ધમકી મળી છે. પ્રયાગરાજના રહેવાસી એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા સીએમ યોગીને પાંચ દિવસની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. તે બાદ પોલીસ એક્ટિવ થઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રયાગરાજ પોલીસે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવાના આરોપમાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરી દીધી છે.
આરોપી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતાં તેની ધરપકડ કરી લીધી છે.એક પોસ્ટના જવાબમાં પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ સરાય ઇનાયત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે એક્સ પર એક પોસ્ટના જવાબમાં કહ્યું, ‘ઉપરોક્ત કેસની તાત્કાલિક નોંધ લેતા સંબંધિત કલમો હેઠળ સરાય ઇનાયત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, આરોપી કસ્ટડીમાં છે. આ અંગે આગોતરા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપીની ઓળખ સરાય ઈનાયતના મલાવા બુઝુર્ગ ગામ રહેવાસી અનિરુદ્ધ પાંડે તરીકે થઈ છે. તે ઝૂંસી વિસ્તારની એક પ્રાઈવેટ કોલેજમાં એલએલબી બીજા વર્ષનો વિદ્યાર્થી છે. પોલીસ અધિકારીઓએ આરોપીની પૂછપરછ બાદ જણાવ્યું કે યુવકે ફેમસ થવા માટે આ મેસેજ પોસ્ટ કર્યો હતો.