
માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, અને 12 ની હવે થશે, તો સૌ પ્રથમ તો ભારતનાં ભવિષ્યનાં નાગરિક અને આજના યુવાધનને એમની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અંતરના આશીર્વાદ. ભારત પોતાના યુવાધનથી પોતાનું ભવિષ્ય સુંદર રીતે ઘડી રહ્યું છે, અને હજી પણ જો દરેક વિદ્યાર્થીઓ નીતિ પૂર્વક જીવવાનું પસંદ કરે તો, આનાથી પણ સુંદર ભારતની રચના થઈ શકે, અને મને વિશ્વાસ છે કે થશે! દરેકને ભારતના ઉજ્જવળ ભવિષ્યની જંખના છે, અને હોય પણ ખરી! આખરે આપણો જ દેશ છે. આમ તો હમણાં બહુ કંઈ અન્ય લખવાનો સમય રહેતો નથી, ચિંતન વિશે તો દ્રઢ મનોબળ હોવાથી લખાય છે, એટલે રાત્રે ખૂબ મોડાં સૂઈને સવારે આટલું વહેલું ઉઠવું એ રોજ થોડુ અઘરું પણ પડે. વિદ્યાર્થીઓ ઓને એટલું અવશ્ય કહેવું કે જીવનની પરીક્ષામાં આમાંનું એક પણ બોર્ડ કામ આવતું નથી! એટલે નિતી પૂર્વક પરીક્ષા આપવી, જોકે દરેક વિદ્યાથીઓ ખૂબ મહેનત કરે છે! પણ મૂળ વાત એ છે કે આમાં સફળ કે નિષ્ફળ નો ડર રાખવાની જરૂર નથી, કારણ કે જ્યારે સાચી પરીક્ષાઓ આવે ત્યારે આ શિક્ષણ કે એમાં આવેલા ટકા કામ આવતા નથી. એને વિશે વિચારીને શિક્ષણ પદ્ધતિ ભલે ન સુધરે, પણ ઘરના સંતાનોને આ વાત સમજાવવી પડશે કે, આ પરીક્ષા જીવનનું એક એવું ચેપ્ટર છે, જેમાં મળેલ સફળતા નિષ્ફળતા બહુ થોડા સમય માટે જ રહે છે, એટલે એનાં પરિણામ પર ડીસઅપોઈન્ટ થવાની જરૂર નથી, તો કદાચ આગળ જતાં એનું જીવન વધુ સરળ રહે.
ટૂંકમાં શિક્ષણ કરતાં સંસ્કાર પર આજનાં માતા પિતાએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. છેલ્લા 20 30 વર્ષનો આ રેશિયો જોઈએ તો દિવસેને દિવસે માતા-પિતા વિદ્યાર્થી કરતાં પણ વધુ મહત્વકાંક્ષી બની ગયાં છે, અને દરેક માતા પિતામાં સુપર ચાઇલ્ડ મેન્ટાલીટી ડેવલપ થતી જાય છે, જે એક બાળ માનસ માટે ભયંકર ખતરો છે. ધોરણ 10 ની વાત કરીએ તો ત્યારે મોટે ભાગે દરેક વિદ્યાર્થી 13 થી 15 વર્ષના ગાળામાં હોય, અને આ ટીનએજમાં તેના શારીરિક બંધારણમાં પણ ફેરફાર થાય. એ લોકો એડલ્ટ બનવા તરફ કુદરતી રીતે આગળ વધતા હોય, એટલે અમુક પ્રકારના આંતરિક હોર્મોન્સ પણ ડેવલપ થતા હોય છે, અને એને કારણે છોકરા છોકરીઓમાં વિજાતીય આકર્ષણની એક લાગણી થતી હોય. એમાં આજકાલ ટીવી મીડિયા, સોશિયલ મીડિયા, દરેકને પોતાના સેલફોન, અને અન્ય રીતે આ ટીન એજ યુવક યુવતીઓને ઉશ્કેરે એવા દ્રશ્યો એના માનસમાં જીલાતા હોય, ત્યારે ભણવાનું આ પ્રેસર અને ઉપરથી માતા પિતાની મહત્વકાંક્ષા! ભલે દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે પોતાના સંતાનને આગળના ભવિષ્યમાં સારું ભણતર મેળવ્યું હોય તો એવી કોઈ ચિંતા ન રહે, એ માટે રખાયેલી હોય! આર્થિક રીતે પણ પોતાની હેસિયતથી વધુ બોજ લીધો હોય, અને પોતાના સંતાનના કેલીબરથી પણ વધારે એની પર આશા રાખી હોય, તો આ બંને વસ્તુ આગળ જતા અત્યંત દુઃખદાઈ પરિણામ આપે, અને એમાંથી અંદરો અંદરના મનોભાવમાં અપેક્ષા પૂરી ન થયાની વાતને કારણે સંબંધોમાં કડવાસ વધે છે. કોઈ કોઈ વાર વિદ્યાર્થી ભયંકર ડિપ્રેશન અનુભવે છે, અને એને કારણે વ્યસનનો સહારો પણ લેતા થઈ જાય! ઘરેથી ભાગી જાય, કે પછી આત્મહત્યા કરે!
આપણા ભારતીય શાસ્ત્રીય વાત મુજબ દરેકે દરેક વ્યક્તિનો જન્મ એના ઋણાનુબંધ પર નક્કી થતો હોય છે. એટલે કે માતા-પિતાનો અને સંતાનનો અંદરો અંદર ઋણાનુબંધ નો એક પૂર્વ જન્મનો સંબંધ આ જન્મ માટે જવાબદાર હોય છે. આ જન્મમાં તો એ તેના માતા પિતા છે અને એ તો સૌથી મોટું ઋણ છે જ, પરંતુ એ સિવાય પણ આગલા જન્મનું ઋણ બાકી રહી ગયું હોય એને પૂરું કરવા માટે આ જન્મ મળ્યો હોય છે એવી કંઈક વાત આપણા મનીષીઓ દ્વારા કરવામાં આવી છે. ઉપરથી આ વાત માત્ર માતાપિતા એટલે કે પરિવાર પૂરતી નથી હોતી આસપાસ વસવાટ કરનારા આડોસ પાડોશ સાથે પણ આ વાત લાગુ પડે છે, અને આ જન્મભૂમિ સાથે પણ આપણું ઋણાનુબંધ હોય છે. એ જ રીતે દેશ સાથે પણ આપણું ઋણાનુબંધ હોવાથી આપણો જન્મ ભારતમાં થયો છે, અને એ ઋણ આપણે કઈ રીતે ચૂકવી શકીશું એ દરેક વિદ્યાર્થીઓએ વિચારવાની જરૂર છે. સાંપ્રત સમયની વાત કરીએ તો આજના દરેક ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. જીવનની પરીક્ષાઓની વાત કરીએ તો, પહેલાં આવું નહોતું, એટલે કે સતત સ્પર્ધાઓમાં કઈ રીતે જીવી શકાય! ઈશ્વર નિર્મિત દરેકે દરેક માનવીમાં કોઈને કોઈ લાક્ષણિકતા છે, એને એણે તથા એનાં સ્વજનો એ જાણી લેવાની હોય છે, અને એ મુજબ એને પ્રોત્સાહિત કરવાનો હોય છે. દરેકે દરેક વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, પીએચડી, કે પછી અન્ય કોઈ ડીગ્રી ન જ મેળવી શકે! એ વાત દરેક વિદ્યાર્થી અને એનાં માતાપિતા એ યાદ રાખવાની હોય છે. પણ આજના ભારતીય સમાજમાં સુપર ચાઈલ્ડનું દુષણ પ્રવેશી ગયું છે, અને દરેકની સર્વશ્રેષ્ઠ બનવાની મહત્વકાંક્ષા એ તેને નીતિ અનીતિ વચ્ચેની ભેદરેખા ભૂલવી દીધી છે. શિક્ષણનો મૂળ હેતુ શિષ્ટાચાર શીખવવાનો હતો, એ જ ધીરે ધીરે ઓછો થતો જાય છે, અને માનવીએ માત્ર બાહ્ય દેખાવથી હવે માનવ રહ્યો છે એમ કહી શકાય. કુટુંબ અને પરિવાર પણ એક પાઠશાળા છે, અને એમાં વિદ્યાર્થી વધુને વધુ સમય વિતાવતો હોય, ત્યારે એમાં શિક્ષણ જેટલું જ સંસ્કારને મહત્વ આપવામાં આવે, તો સો ટકા એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આવા પ્રકારની પરીક્ષાઓમાં પાસ થાય કે ન થાય પણ એ જીવનની પરીક્ષામાં ક્યારેય નિષ્ફળ નહીં જાય, કંઈ ને કંઈ તો કરી જ લેશે! અને એ જે કરશે તે વિશેષ જ હશે.
આજે એ વિદ્યાર્થી જીવનનાં દિવસો યાદ આવે છે, અને બહુ ગર્વ સાથે કહી શકાય કે બીએસસી ફર્સ્ટ ક્લાસ સુધીની દરેક પરીક્ષાઓ પોતાની લાયકાતથી જ પાસ કરી, ક્યારેય આજુબાજુમાં પણ જોવાનો વિચાર આવ્યો નથી. હા એ લોકો જરૂર કંઈકને કંઈક પૂછતાં, પણ ન આવડે તો ન લખવું! એ વાત પાકી હતી. ઋણાનુબંધની વાત કરીએ તો નાગર જેવી જ્ઞાતિમાં જન્મ મળ્યો હોવાથી, દીકરા દીકરીનો તફાવત નાનપણથી જ હતો નહીં, અને એને કારણે પોતાનો દરેક નિર્ણય લેવાની સ્વતંત્રતા મળી હતી. ઉપરથી એમના આચરણીય સંસ્કારો,કે જે હંમેશા એમના જેવું જીવન જીવવા પ્રેરતા હતા. ઇતિહાસ મારો સૌથી પ્રિય વિષય હતો, અને ધોરણ પાંચથી શરૂ કરીને દસ સુધી ઇતિહાસના દરેકે દરેક પાઠ મને એ વખતે મોઢે રહેતાં, જો ત્યારે કેબીસી હોત તો એમાં જીતાવી શકત! પરંતુ આટલી લાંબી જીવનયાત્રા પરથી એક વાત તો પાક્કી જ છે કે, જીવનમાં ક્યારેય પરીક્ષાઓનો અંત આવતો નથી! એટલે એક આ પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈ જાઉં, પછી ક્યારેય નહીં કરું એ માત્ર ભ્રમ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો દરેક વિદ્યાર્થી નીતિપૂર્વક પરીક્ષાઓ આપી, અને એમાં ઉત્તીર્ણ થઇ પોતાનું અને પોતાના દેશનું શ્રેષ્ઠ ભવિષ્ય બનાવશે! અને ફરીથી હિન્દુ સંસ્કૃતિનો ધવજ પૂરાં વિશ્વમાં લહેરાશે! જય હિન્દ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)